/connect-gujarat/media/post_banners/7b847ee9bf84c8842c7ce9b87764124b903f0e263917a935c4cdb21e189f9781.jpg)
આજે તા. ૩ જૂલાઈના દિવસને આતંરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ ફ્રી દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે, ત્યારે લોકોમાં પ્લાસ્ટિકના પ્રદૂષણ અંગે જાગૃતિ ઉભી કરવાના ઉદ્દેશ સાથે ભાવનગર જિલ્લાના મહુવા શહેરને પ્લાસ્ટિકમુક્ત બનાવવા અનોખુ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
પ્લાસ્ટિકનું પ્રદૂષણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે, ત્યારે તેને અટકાવવામા માટે વિવિધ સ્તરે પ્રયાસો ચાલી રહ્યા છે. એવામાં ભાવનગર જિલ્લાની મહુવા નગરપાલિકા અને પિડિલાઇટ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આવો જ એક સહિયારો પ્રયાસ થઈ રહ્યો છે. મહુવા નગરપાલિકામાં વિદ્યાર્થીઓ, આગેવાનો અને સામાજિક સંગઠનોને કુલ 18 હજાર કિલોથી વધુ પ્લાસ્ટિક એકત્રિત કરી 'ક્લીન મહુવા' નું સપનું સાકાર કરવાની દિશામાં ડગ માંડ્યા છે.
આ ઝુંબેશ અંતર્ગત પ્લાસ્ટિક કલેક્શન સેન્ટરમાં સામાન્ય નાગરિકો તેમજ શ્રમજીવીઓ પ્લાસ્ટિક વેસ્ટ જમા કરાવી વળતરરુપે રુપિયા અથવા ખાતર પણ મેળવી શકે છે. અહીં પ્લાસ્ટિકના કાગળ, બેગ, રેપરના એક કિલો વેસ્ટના વળતરમાં 2 રૂપિયા, દૂધ-છાશની થેલીના એક કિલો વેસ્ટના વળતરમાં 10 રૂપિયા, બિસ્લેરી બોટલના એક કિલો વેસ્ટના વળતરમાં 23 રૂપિયા ચુકવવામાં આવે છે. એટલું જ નહીં, અહિં નિયમિત રીતે પ્લાસ્ટિક વેસ્ટ જમા કરાવનારા લોકોને કાપડની થેલી સહિતની વસ્તુઓ ભેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવે છે. આમ, ભાવનગર જિલ્લાની આ નાની નગરપાલિકાએ પ્લાસ્ટિક પ્રદુષણ સામેની ઝુંબેશ શરૂ કરી અન્ય સ્થાનિક સ્વશાસનની સંસ્થાઓ માટે ઉદાહરણ પુરુ પાડ્યું છે.