ભાવનગર: રાજસ્થાનમાં ત્રણ વેપારીઓનું અપહરણ કરનાર આરોપી પોલીસે કરી ધરપકડ

ભાવનગરના ત્રણ વેપારીઓ ફેસબુક પર સસ્તી કિંમતે બેટરી મળતી હોવાની જાહેરાત જોઈ અને બેટરીની ખરીદી માટે રાજસ્થાન ગયા હતા.

New Update
ભાવનગર: રાજસ્થાનમાં ત્રણ વેપારીઓનું અપહરણ કરનાર આરોપી પોલીસે કરી ધરપકડ

રાજસ્થાનમાં સસ્તી કિંમતે ભંગાર ખરીદવા ગયેલા ભાવનગરના ત્રણ વેપારીનું અપહરણ થયું હતું જે ઘટનામાં ભાવનગરમાં પોલીસ મથકમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસે આ ઘટનામાં સંડોવાયેલા એક આરોપીને ઝડપી લઇ તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભાવનગરના ત્રણ વેપારીઓ ફેસબુક પર સસ્તી કિંમતે બેટરી મળતી હોવાની જાહેરાત જોઈ અને બેટરીની ખરીદી માટે રાજસ્થાન ગયા હતા. જેમાં ફિરોજભાઈ ઉસ્માનભાઈ કુરેશી તેમજ જબ્બરભાઈ કુરૃશભાઈ કલીવાલા અને સલીમભાઈ અબ્દુલભાઈ કુરેશી ત્રણેય વેપારીઓ રાજસ્થાનના અલવર ખાતે પહોંચ્યા હતા, જ્યાં બે લોકો તેમને સ્વીફ્ટ કાર લઈને લેવા આવ્યા હતા, જે ત્રણેયને અલવર તાલુકાના ભીસુડી ખાતે બેટરી તેમજ ઈલેક્ટ્રીક ભંગાર જોવા એક વાડીમાં લઈ ગયા હતા, જ્યાં ત્રણેયને ઓરડીમાં લઈ ગયા બાદ તેમણે ધાક ધમકી આપી બેસાડી દીધા હતા અને ગોંધી રાખ્યા હતા. બાદમાં તેમના પરિવારજનો પાસે ત્રણ લાખ રૂપિયાની માંગણી કરી હતી અને રૂપિયા મંગાવી લ્યો પછી જ છુટકારો કરીશું તેવું જણાવતા વેપારીઓ ગભરાઈ ગયા હતા, જેમાંથી સલીમભાઈએ ભાવનગર ખાતે રહેતા મોહમ્મદ અબ્બાસભાઈ ગોવાણી સાથે વાત કરી કે ભંગાર જોઈ લીધેલ છે અને તમો તાત્કાલિક ત્રણ લાખ રૂપિયા મોકલો, પરંતુ મહમદભાઈને તાત્કાલિક આટલી મોટી રકમ મંગાવવાનું કહેતા શંકા ગઈ હતી અને ભાવનગર પોલીસની મદદ લીધી હતી.જેને લઇ ભાવનગર પોલીસે રાજસ્થાન પોલીસનો સંપર્ક કરી ત્રણેય વેપારીઓને મોબાઈલ ટ્રેસ કરી ત્યાંથી ત્રણેય વેપારીઓને અપહરણકારોની ચુંગાલમાંથી છોડાવ્યા હતા. આ ઘટના બાદ વેપારીઓએ ભાવનગર નીલમબાગ પોલીસ મથકમાં છ ઈસમો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી જેને લઇ ભાવનગર પોલીસે રાજસ્થાનથી અફઝલ જુબેર મેવ નામના ઇસમને ઝડપી લઇ તેને ભાવનગર લાવી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.