ભાવનગર : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બન્યા ભાવેણાના મહેમાન, રામ કથાકાર મોરારી બાપુ સાથે કર્યો સંવાદ

રાષ્ટ્રપતિએ પ્રથમ મહુવા ખાતે પ્રસિદ્ધ રામ કથાકાર સંત મોરારી બાપુ સાથે મુલાકાત કરી હતી

New Update
ભાવનગર : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બન્યા ભાવેણાના મહેમાન, રામ કથાકાર મોરારી બાપુ સાથે કર્યો સંવાદ

ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ભાવનગર જિલ્લાની મુલાકાતે આવી પહોંચ્યા હતા. રાષ્ટ્રપતિએ પ્રથમ મહુવા ખાતે પ્રસિદ્ધ રામ કથાકાર સંત મોરારી બાપુ સાથે મુલાકાત કરી હતી, તારબાદ તેઓ કૈલાશ ગુરુકુળ ખાતે વિશ્રામ માટે પહોચ્યા હતા.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ શુક્રવારના રોજ ભાવનગર જિલ્લાના 2 દિવસીય પ્રવાસે આવી પહોંચ્યા હતા. ભારતીય વાયુદળના વિશેષ વિમાન મારફતે ભાવનગર એરપોર્ટ ખાતે આવી પહોંચતા એરપોર્ટ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, શિક્ષણમંત્રી જીતુ વાઘાણી, મેયર કીર્તિ દાણીધારીયા, સાંસદ ડો. ભારતી શિયાળ, જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે, પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠૌરે ઉષ્મા સભર સ્વાગત કર્યું હતું. ત્યારબાદ રાષ્ટ્રપતિ એરફોર્સના વિશેષ હેલિકોપ્ટર મારફતે મહુવા તાલુકાના તલગાજરડા ગામ ખાતે જવા રવાના થયા હતા. જ્યા વિશેષ વાહન દ્વારા તેઓ પ્રસિદ્ધ કથાકાર મોરારી બાપુના આશ્રમ ચિત્રકૂટ ધામ પહોંચ્યા હતા. આશ્રમ બહાર રાષ્ટ્રપતિના આગમનની પ્રતિક્ષા કરી રહેલા લોકોને જોઈ તેઓએ આશ્રમની બહાર જ ગાડી થોભાવી દીધી હતી અને પ્રોટોકોલ તોડી ગાડીમાંથી નીચે ઉતરી લોકોના અભિવાદન ઝીલ્યા હતા. જ્યા સંત મોરારી બાપુએ તેમનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું. ચિત્રકૂટ ધામના વિશેષ હોલમાં રાષ્ટ્રપતિએ મોરારી બાપુ સાથે એક કલાક સુધી સંવાદ કર્યો હતો. ત્યારબાદ તેઓ કૈલાશ ગુરુકુળ જવા રવાના થયા હતા. જ્યાં વિશ્રામ કર્યા બાદ તેઓ ભાવનગર જવા પ્રસ્થાન કર્યું હતું.