ભાવનગર : રથયાત્રા કાઢવા માટે મંજૂરી અપાય તેવી માંગ

રથયાત્રા સમિતિ ટ્રસ્ટ દ્વારા તંત્રને પત્ર.

New Update
ભાવનગર : રથયાત્રા કાઢવા માટે મંજૂરી અપાય તેવી માંગ

ગત વર્ષે કોરોના મહામારીના કારણે ગુજરાતમાં અમદાવાદ સહિત કોઈપણ સ્થળે ભગવાન જગન્નાથજીની રથયાત્રા કાઢવામાં આવી ન હતી. જોકે, કોરોનાના કેસ ઘટતા હવે રાજ્ય સરકાર દ્વારા મોટાભાગના ધંધા-રોજગારને મુક્તિ આપવામાં આવી છે, ત્યારે ભાવનગર ખાતે રથયાત્રા સમિતિ ટ્રસ્ટ દ્વારા આ વર્ષે કોરોનાની ગાઈડલાઈન મુજબ રથયાત્રા કાઢવાની મંજૂરી આપવામાં આવે તે માટે વહીવટી તંત્રને અનુરોધ કરવામાં આવ્યો છે.

ગુજરાતમાં અમદાવાદ બાદ બીજા ક્રમે ગણાતી સૌથી મોટી ભગવાન જગન્નાથજીની રથયાત્રા ભાવનગર ખાતે યોજાય છે. આગામી અષાઢી બીજના પર્વે શહેરના સુભાષનગરમાં આવેલ ભગવાન જગન્નાથજીના મંદિરેથી રથયાત્રાને રાજવી પરિવાર દ્વારા પહિન્દ વિધિ બાદ સંતો-મહંતો અને વિવિધ ક્ષેત્રના આગેવાનોની ઉપસ્થિતિમાં પ્રસ્થાન કરાવવામાં આવે છે. આ રથયાત્રા જય જગન્નાથના ગગનભેદી નારાઓ સાથે શહેરના વિવિધ વોર્ડના મળી કુલ 18 કિલોમીટરના વિસ્તારમાં પરંપરાગત રીતે નીકળે છે.

ભાવનગર ખાતે સ્વ. ભીખુભાઈ ભટ્ટ પ્રેરિત રથયાત્રા સમિતિ ટ્રસ્ટ દ્વારા આયોજિત ભગવાન જગન્નાથજીની રથયાત્રાના આયોજનની તમામ તૈયારીના પુરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે. હાલ ભગવાન જગન્નાથજીના રથને તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત તમામ ધાર્મિક વિધિઓ જે તે સમય મુજબ સંપન્ન થાય તેવું પણ આયોજન ઘડવામાં આવ્યું છે. હાલ કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને આ વર્ષની રથયાત્રા સાદગીપૂર્ણ રીતે યોજાય માટે ટ્રસ્ટ દ્વારા વહીવટી તંત્રને પત્ર લખવામાં આવ્યો છે. રથયાત્રાને હવે 12 દિવસ જેટલો સમય બાકી છે, ત્યારે સરકારની ગાઈડલાઈન મુજબ રથયાત્રાના આયોજનને મંજૂરી આપવામાં આવે તે માટે રથયાત્રા સમિતિ ટ્રસ્ટ દ્વારા માંગ કરવામાં આવી છે.

Latest Stories