ભાવનગર શહેરના હીરાબજારના માધવરત્ન બિલ્ડિંગને મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા સીલ મારી દેવાતા હીરાનાં વેપારીઓમાં રોષ જોવા મળ્યો હતો.
ભાવનગર શહેરના નિર્મળનગર વિસ્તારમાં આવેલ માધવરત્ન બિલ્ડીંગને ભાવનગર મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા ફાયર સેફટીને લઈ બિલ્ડીંગને સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ બિલ્ડીંગમાં 800થી વધુ હીરાની ઓફિસો આવેલી છે, ત્યારે અનેક વખત ફાયર વિભાગ દ્વારા સમયાંતરે નોટિસ આપવા છતાં તમામ નોટિસની અવગણનાં કરતા ફાયર વિભાગ દ્વારા બિલ્ડીંગને સીલ મારવામાં આવી હતી, જ્યારે ફાયર વિભાગ દ્વારા પોતાના કામમાં રૂકાવટ કરવાને લઇ 4 લોકો સામે ફરજ રૂકાવટની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ સાથે જ અમુક ઓફીસ ધારકો પાસેથી રોકડ રકમની માંગણી કરવામાં આવી હોવાનો કેટલાક વેપારીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો, ત્યારે ભાવનગર હીરા બજારના તમામ વેપારીઓ દ્વારા જિલ્લા કલેકટર તેમજ મહાનગરપાલિકા કમિશ્નરને આ મામલે રજૂઆત કરવામાં આવી હતી, અને જે લોકો સામે ખોટી ફરિયાદ કરવામાં આવી છે, તે ફરિયાદ અંગે યોગ્ય તપાસ કરવામાં આવે તેવી માંગ સાથે મોટી સંખ્યામાં વેપરીઓએ આગામી દિવસમાં હડતાળની ચીમકી ઉચ્ચારી છે.