બોટાદ જિલ્લાના સાળંગપુર કષ્ટભંજન દેવના સાનિધ્યમાં ઊભી કરાયેલી વિશાળામૂર્તિની નીચે બનાવેલા ભીતચિત્રનો વિવાદ વકરવા પામ્યો છે. જેના પડઘા ભાવનગરની અક્ષરવાડી ખાતે પડ્યા હતા. જેમાં વિશ્વ હિન્દુ પરિષદ વિરોધ કરવા પહોંચી ગયું હતું.
સાળંગપુર ખાતે વિશાળ મૂર્તિ નીચે ભીતચિત્રમાં હનુમાનજીને દર્શાવવામાં આવેલી મુદ્રાને પગલે સમગ્ર ગુજરાતમાં ચારે કોર રોષ ફેલાયેલો છે. સાધુ સંતો દ્વારા સ્વામિનારાયણ સંપ્રદાયોને ખુલ્લી ધમકીઓ અને ચીમકીઓ આપવામાં આવી રહી છે. ત્યારે ભાવનગર વિશ્વ હિન્દુ પરિષદના કેટલાક કાર્યકરો ભાવનગર વાઘાવાડી રોડ ઉપર આવેલી અક્ષરવાડી ખાતે પહોંચી ગયા હતા. ભીતચિત્રને પગલે અક્ષર વાડીમાં વિરોધ વ્યક્ત કર્યો હતો અને ભીતચિત્ર હટાવી લેવા માટે અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું. વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો અક્ષરવાડીએ પહોંચી જતા બાદમાં પોલીસને જાણ થઈ હતી. આજે પોલીસ તાત્કાલિક અક્ષરવાડી ખાતે દોડી આવીને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓને સમજાવટ સાથે બહારની તરફ ધકેલ્યા હતા.