/connect-gujarat/media/post_banners/f184a920ab50ad103d6a8883de29d5876d53713d8366b742f1139f4a2238bd89.jpg)
રાજયમાં ચકચાર જગાવનાર ડમીકાંડમાં આજરોજ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પોલીસ સમક્ષ હાજર થયા હતા અને તેઓએ રાજ્યના પૂર્વમંત્રી સહિત અનેક લોકો પર આક્ષેપ કર્યા હતા રાજ્યભરમાં ખળભળાટ મચાવનારા ડમીકાંડ મામલે દરરોજ નવા ઘટસ્ફોટ થઈ રહ્યા છે. ભાવનગર પોલીસની સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમે આ કૌભાંડમાં ગેરકાયદે નાણાકીય વ્યવહારો કર્યાના આક્ષેપોને લઈને યુવરાજસિંહને પોતાનો પક્ષ રજૂ કરવા સમન્સ પાઠવ્યું હતું..
પરંતુ હાજર ન થતાં પોલીસે બીજું સમન્સ પાઠવી 21 તારીખે, એટલે કે આજે હાજર રહેવા કહ્યું હતું. જેને લઇને યુવરાજસિંહ પોતાનો પક્ષ રજૂ કરવા હાજર થયા છે. હાજર થતાં પહેલાં યુવરાજસિંહે મીડિયાને જણાવ્યું હતું કે 'આજે હું બંધ કવરમાં 30 નામ આપવાનો છું, જેમાં પૂર્વ શિક્ષણમંત્રી અને વર્તમાન મંત્રી પણ છે. મારું સમન્સ નીકળે તો જિતુ વાઘાણીનું પણ સમન્સ નીકળવું જોઇએ.' જ્યારે ગઇકાલે રાત્રે સોશિયલ મીડિયામાં લાઇવ થઇને તેમણે કહ્યું હતું કે 156 પ્લસ ભ્રષ્ટાચારના હાથીની સામે હું એક સામાન્ય મચ્છર છું, પણ આ મચ્છર ભષ્ટાચારના હાથીને તાંડવ કરાવશે.ભાવનગર એસપી કચેરી બહાર યુવરાજસિંહે પત્રકાર પરિષદ યોજી અનેક મંત્રી, પૂર્વ શિક્ષણમંત્રીનાં નામો આપ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે કૌભાંડમાં મોટાં માથાં મને દબાવવાના પ્રયાસ કરે છે.