/connect-gujarat/media/post_banners/b00c88c73adeea7a3e0958d46586c4aa6b9d4acfa0aa151433c2ab8ea644da1a.webp)
રાજ્ય સરકારનો વધુ એક ખેડૂત હિતલક્ષી નિર્ણય
રાજ્યના ૧૪ જિલ્લાઓમાં ખેડૂતોનો ૮ કલાકના બદલે ૧૦ કલાક વીજળી અપાશે
ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને અપાશે 10 કલાક વીજળી
રાજ્યના ખેડૂતોને આર્થિક રીતે સહાયરૂપ થવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. ખેડૂતોના ઉભા પાકને બચાવવા માટે રાજ્ય સરકારે ખેડૂતોને પાવર અને પાણી આપવાનો મહત્વનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. રાજ્યના ૧૪ જિલ્લાઓમાં ખેડૂતોના પાક બચાવવા ૮ કલાકના બદલે ૧૦ કલાક વીજળી આપવામાં આવશે જેનો તાત્કાલિક ધોરણે અમલ કરવામાં આવશે. આ નિર્ણયથી રાજ્યના અંદાજે કુલ ૨૦.૨૮ લાખ ખેતી વીજ જોડાણ ધરાવતાં ખેડૂતોમાંથી ૧૪ જિલ્લાના અંદાજે ૧૨ લાખ જેટલા ખેતી વીજ જોડાણ ધરાવતાં ખેડૂતોને લાભ થશે..
ઉલ્લેખનીય છે કે ઉર્જા મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું કે, રાજ્યમાં વરસાદ ખેંચાતા ખાસ કરીને ડાંગર, કપાસ અને મગફળી જેવા પાકને બચાવવા માટે આ મહત્વનો નિર્ણય કરાયો છે. જેમાં કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, ગાંધીનગર, અમદાવાદ,ખેડા, અમરેલી, સુરેન્દ્રનગર,રાજકોટ,જામનગર, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આગામી સમયમાં રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ ખેડૂતોની જરૂરીયાત અને માંગણી અનુસાર વીજળી અને પાણી પૂરૂ પાડવામાં આવશે.
પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ જણાવ્યું છે કે, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખેડૂતોની જરૂરિયાત પ્રમાણે સિંચાઇ માટે પાણી અપાશે. સરદાર સરોવર સહિત રાજ્યના જે ડેમોમાં ૮૦ ટકાથી વધુ પાણી છે તેવા ડેમોમાંથી સિંચાઇ માટે પાણી છોડવામાં આવશે. રાજ્યમાં જુલાઈ માસ અંતિત સરેરાશ વરસાદના ૭૮% જેટલો વરસાદ નોંધાયો છે. પરંતુ સમગ્ર ઓગષ્ટ મહીનામાં માત્ર ૪ % જેટલો એટલે કે નહીવત વરસાદ પડ્યો છે. જેથી વરસાદ ખેંચાતા રાજ્યમાં ખરીફ પાકને બચાવવા માટે પાણીની જરૂરીયાત ઉભી થઈ છે. જેના લીધે રાજ્યના ધારાસભ્યઓ, પદાધિકારીઓ અને ખેડૂત અગ્રણીઓ દ્વારા ઉત્તર ગુજરાતમાં સુજલામ સુફલામ યોજના અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં સૌની યોજના મારફત નર્મદાનું પાણી આપવા માટે રજૂઆતો મળી હતી. જેને ધ્યાને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્રપટેલે હકારાત્મક નિર્ણય લઈને ઉત્તર ગુજરાત વિસ્તારની સુજલામ સુફલામ સ્પ્રેડીંગ નહેર,હયાત ૧૨ ઉદ્દવહન પાઈપલાઈનો તથા સૌરાષ્ટ્ર વિસ્તારની સૌની યોજના થકી જોડાયેલ ૨,૦૦૦ થી વધુ તળાવો/ચેકડેમો જળાશયોમાં નર્મદાનું પાણી આપવા માટેનો ખેડૂતલક્ષી નિર્ણય કર્યો છે.