અરબી સમુદ્રમાં સર્જાયેલ વાવાઝોડુ ગુજરાતનાં દરિયા કિનારે ટકરાશે ત્યારે રાજ્ય સરકાર દ્વારા સુરક્ષા અને સલામતીના તમામ પગલા ભરવામાં આવ્યા છે
અરબ સાગરમાં સર્જાયેલા ચક્રવાત 'બિપરજોય' હવે અતિપ્રચંડ બની રહ્યુ છે. તેની રફ્તાર પર તેજ થઈ રહી છે. હાલ 'બિપરજોય' વાવાઝોડું પોરબંદરથી 290 કિલોમીટર, જ્યારે જખૌ પોર્ટથી 360 કિલોમીટર દૂર છે. વાવાઝોડું હાલ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 15 જૂને વાવાઝોડું ત્રાટકી શકે છે. ત્યારે ગુજરાતના દરિયાકાંઠાના તમામ જિલ્લામાં વહીવટીતંત્ર એલર્ટ બન્યું છે. હવામાન વિભાગે 15 અને 16 જૂનના રોજ કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા માટે વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર કર્યું છે, ત્યારે આજે સૌરાષ્ટ્રમાં સવારથી જ ધોધમાર વરસાદ વરસ્યો હતો. કચ્છમાં દરિયાકિનારાના વિસ્તારમાં સાવચેતીના ભાગરૂપે વહીવટીતંત્ર દ્વારા કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. ઓખાના દરિયામાં તોફાની પવન ફૂંકાઈ રહ્યો છે, ભુજના લખુરાઈ ચાર રસ્તા પાસે ગઈકાલે દીવાલ ધરાશાયી થતા બે બાળકોના મોત નિપજ્યા હતા. જ્યારે એક વ્યકિત ઈજાગ્રસ્ત બની છે.