Connect Gujarat
ગુજરાત

લોકસભા ચૂંટણી માટે ભાજપનો શંખનાદ, એકસાથે 26 બેઠકો પર મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો પ્રારંભ...

સમગ્ર ગુજરાતમાં ભાજપ દ્વારા મેગા ચૂંટણી પ્રચારની શરૂઆત થઈ છે. આગામી દિવસોમાં લોકસભા-2024 માટે ભાજપ ગામે ગામે પ્રચાર પ્રસાર વધારશે

X

આજથી સમગ્ર ગુજરાતમાં ભાજપ દ્વારા મેગા ચૂંટણી પ્રચારની શરૂઆત થઈ છે. આગામી દિવસોમાં લોકસભા-2024 માટે ભાજપ ગામે ગામે પ્રચાર પ્રસાર વધારશે, ત્યારે રાજ્યમાં લોકસભા-2024ની ચૂંટણી માટે ભાજપ દ્વારા તૈયારીઓના પ્રારંભ સાથે એકસાથે 26 લોકસભા બેઠકોના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

આગામી દિવસોમાં લોકસભા-2024ની ચૂંટણી આવી રહી છે, જેને લઇને હવે ભાજપે દેશભરમાં કમર કસવાનું શરૂ કરી દીધુ છે, ત્યારે પ્રદેશ ગુજરાત ભાજપ દ્વારા પણ મેગા ચૂંટણી પ્રચારની શરૂઆત કરવામાં આવી છે. જેમાં ઠેર ઠેર મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયને ખુલ્લા મુકવામાં આવ્યા છે. ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી, પ્રભારી હકુ જાડેજા સહિતના નેતાઓએ ઉપસ્થિત રહી અમરેલી ખાતે લોકસભા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો દીપ પ્રાગટ્ય કરીને પ્રારંભ કર્યો હતો. આ પ્રસંગે સાંસદ નારણ કાછડીયા, ધારાસભ્ય મહેશ કસવાળા, કૌશિક વેકરીયા, હીરા સોલંકી, જનક તળાવીયા, જે.વી.કાકડીયા સહિત ભાજપના નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થીત રહ્યા હતા.

લોકસભા-2024 માટે ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેને ધ્યાનમાં રાખીને જુનાગઢ લોકસભાનું મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે શુભમુહૂર્તમાં રાજ્યના પ્રવાસન મંત્રી મુળુ બેરાની અધ્યક્ષતામાં લોકસભાનું મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ રઘુ હુંબલ, જુનાગઢ લોકસભા બેઠકના સંયોજક ઉદય કાનગડ, સાંસદ રાજેશ ચુડાસમા સહિત મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ અને કાર્યકરો ઉપસ્થીત રહ્યા હતા.

ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી થકી હવે આગામી લોકસભાની ચૂંટણીનો શંખનાદ કરવામા આવ્યો છે. ભાજપ દ્વારા આજે એકસાથે 26 લોકસભા બેઠકોના મધ્યસ્થ કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો છે, ત્યારે નવસારી ખાતે પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, જ્યાં ચૂંટણીની તારીખ અને ઉમેદવારો જાહેર થવા પૂર્વે જ ભાજપે લોકસભા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ધાટન કર્યું હતું. જેમાં 25 નવસારી લોકસભા બેઠકના ભાજપના મધ્યસ્થ કાર્યાલયનું સંતો-મહંતોના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ સાથે જ કાર્યાલયના ઉદ્ઘાટન બાદ સભાનું પણ આયોજન કરાયું હતું.

Next Story