Connect Gujarat
ગુજરાત

ભાજપની “સેન્સ પ્રક્રિયા” : રાજ્યની દરેક બેઠક પર 3-3 નિરીક્ષકો પહોંચ્યા, ટિકિટ વાંછુઓને સાંભળવામાં આવ્યા...

લોકસભા ચૂંટણી 2024ની તારીખ ચૂંટણીપંચ હવે કોઈપણ સમયે જાહેર કરી દે એવી શક્યતા છે, જેને પગલે તમામ રાજકીય પક્ષો ચૂંટણીની પુરજોશમાં તૈયારી કરી રહ્યા છે.

X

લોકસભા ચૂંટણીને લઈને ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ કવાયત ઝડપી કરી છે, ત્યારે નવસારી, વલસાડ, વડોદરા, જુનાગઢ અને ભરૂચ સહિતના જિલ્લાઓમાં ઉમેદવારની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

લોકસભા ચૂંટણી 2024ની તારીખ ચૂંટણીપંચ હવે કોઈપણ સમયે જાહેર કરી દે એવી શક્યતા છે, જેને પગલે તમામ રાજકીય પક્ષો ચૂંટણીની પુરજોશમાં તૈયારી કરી રહ્યા છે. પ્રદેશ ભાજપની મળનારી પાર્લમેન્ટરી બેઠક અગાઉ લોકસભા સીટ દીઠ સેન્સપ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે. ચૂંટણીને લઈને નવસારી જીલ્લા ભાજપમાં ધમધમાટ શરૂ થયો છે. નવસારી લોકસભાના ઉમેદવારની પસંદગી માટે નિરક્ષક તરીકે રાજ્યસભાના સાંસદ બાબુ દેસાઈ, વડોદરાના ધારાસભ્ય મનિષા વકીલ, પ્રદેશ ભાજપ એસટી મોરચાના પ્રમુખ અર્જુન ચૌધરી નવસારી કમલમ કાર્યાલય ખાતે અપેક્ષિતોને સાંભળવા પહોચ્યા હતા. જેમાં સુરતની 4 અને નવસારીની 3 વિધાનસભા બેઠકના અપેક્ષિત કાર્યકર્તાઓએ નિરીક્ષકો સમક્ષ પોતાની રજૂઆતો કરી હતી.

જોકે, કમલમમાં બેઠક મળ્યા બાદ અચાનક અને ગુપચુપ સેન્સ પ્રક્રિયામાં ભાગ લેવા માટે દરેક લોકસભા બેઠક ઉપર 3-3 નિરીક્ષકો પહોંચ્યા હતા, જ્યાં બપોરે 3 વાગ્યાથી સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, ત્યારે વલસાડ જિલ્લામાં પણ ભાજપ પક્ષ ચૂંટણી મોડમાં આવી ગયો છે. વલસાડ લોકસભા બેઠક માટે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં નિરીક્ષક તરીકે ભાજપ મહિલા મોરચાના પ્રદેશ પ્રમુખ દીપિકા સરડવા, પ્રદેશ યુવા મોરચાના મહામંત્રી ઈશાન સોની અને સુરત શહેર ભાજપના પૂર્વ મહામંત્રી લલિત વેકરીયાએ ટિકિટ વાંછુઓ અને સમર્થકોને સાંભળ્યા હતા. આ સાથે જ વલસાડ ભાજપ મધ્યસ્થ કાર્યાલય ખાતે ચૂંટણી લડવા ઇચ્છુક અગ્રણીઓ અને ટેકેદારોનો જમાવડો જોવા મળ્યો હતો. તો બીજી તરફ, ભાજપ દ્વારા અચાનક યોજાયેલી સેન્સ પ્રક્રિયાથી પક્ષમાં આંતરિક રાજકારણ પણ ગરમાયું હતું.

રાજકીય સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે, ભાજપ 2 સપ્તાહમાં 100 ઉમેદવારની પ્રથમ યાદી જાહેર કરી શકે છે. ભાજપની ઉમેદવારો જાહેર કરવાની આ કવાયતને પગલે 2 દિવસ બાદ પ્રદેશ ભાજપની પાર્લમેન્ટરી બોર્ડની બેઠક મળશે. સતત 2 દિવસ સુધી પ્રક્રિયા ચાલ્યા બાદ તારીખ 28 ફેબ્રુઆરીના રોજ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીના નિવાસસ્થાને રાજ્ય પાર્લમેન્ટરી બોર્ડની બેઠક યોજાશે, જ્યારે 29મીએ દિલ્હીમાં મળનારી સેન્ટ્રલ પાર્લમેન્ટરી બોર્ડની બેઠક બાદ ગુજરાતની કેટલીક બેઠકો જાહેર થઈ શકે છે. તેવામાં લોકસભાની ચૂંટણીને લઈને વડોદરા ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા અપેક્ષિતોના સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. રાજ્યની 26 બેઠકો ઉપર 3-3 નિરીક્ષકો અપેક્ષિતોને સાંભળશે, ત્યારે વડોદરામાં રાજ્ય સરકારના મંત્રી પ્રફુલ પાનસેરીયા, ભાવના દવે અને ધર્મેન્દ્ર શાહ સેન્સ લેવા પહોંચ્યા હતા.

જોકે, આ વખતે ભાજપે 5 લાખના માર્જિનથી બેઠકો જીતીને એક નવો રેકોર્ડ બનાવવાનો લક્ષ્યાંક રાખ્યો છે. જેમાં ગત વખતે ઓછા માર્જિનથી જીતેલી બેઠકો પર ભાજપ ઉમેદવારોની ઘોષણા કરે એવું જાણવા મળ્યું છે, ત્યારે સૌરાષ્ટ્રના જુનાગઢમાં પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જુનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ ભાજપના નેતા બીના આચાર્ય, મનસુખ ખાચરિયા અને વિક્રમ ચૌહાણ દ્વારા ઉમેદવારો અને સમર્થકોને સાંભળવામાં આવ્યા હતા, ત્યારે ભાજપની સેન્સ પ્રક્રિયા દરમ્યાન મોટી સંખ્યામાં મનપા અને જિલ્લા ભાજપના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. તો બીજી તરફ, ભરૂચના કોલેજ રોડ સ્થિત ભાજપ લોકસભા ચૂંટણી મધ્યસ્થ કાર્યાલય ખાતે પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં નિરીક્ષકો તરીકે ભીખુસિંહ પરમાર, અસ્મિતા શિરોયા અને પ્રશાંત કોરાટ ઉપસ્થિત રહી તમામ ટિકિટ વાંછું ઉમેદવારો સહિતના સમર્થકોને સાંભળ્યા હતા. ભાજપ દ્વારા અચાનક યોજાયેલ સેન્સ પ્રક્રિયામાં મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો અને કાર્યકરોનો ભાજપ લોકસભા ચૂંટણી મધ્યસ્થ કાર્યાલય ખાતે જમાવડો જોવા મળ્યો હતો.

Next Story