ગીર જંગલમાં એક એવી ઘટના બની છે કે, જેની ત્રાડથી આખું જંગલ ગૂંજી ઊઠે એવા વનરાજો હાંફી ગયા અને એ પણ હંફાવનાર હતો નાનો જીવ એવો કાચબો, ત્યારે આવી દુર્લભ ઘટના ભાગ્યે જ બનતી હોય છે. જુઓ આ વિડીયોમાં...
એશિયાટિક સિંહોના નિવાસસ્થાન ગીર જંગલમાં રોજ અનેક દુર્લભ ઘટનાઓ બને છે. પરંતુ તેમાંથી કોઈક સામે આવે છે, અને કેમરામાં કેદ થાય છે. ગીર જંગલમાં આવેલા કમલેશ્વર ડેમ નજીક આવી જ એક દુર્લભ ઘટના બની હતી. જેમાં 3 સિંહ ડેમ નજીક જતા હતા, ત્યારે ડેમમાંથી નીકળેલો એક કાચબો ત્યાં પોતાનું મો બહાર રાખીને બેઠો હતો. આ કાચબો સિંહના ધ્યાનમાં આવી જતા તેને એક સિંહે પકડ્યો હતો, ત્યાં જ કાચબાએ પોતાનું મો અંદર કરી લીધું હતું. બાદમાં સિંહે કાચબાનો શીકાર કરવા ખૂબ પ્રયાસ કર્યા હતા. પરંતુ મજબૂત કવચ ધરાવતા કાચબાને કોઈ અસર થઈ ન હતી. એક પછી એક ત્રણેય સિંહોએ આ કાચબાને મો થી પકડીને પગ ઉપર રાખી નખથી ખોલવા માટેના પણ પ્રયાસો કર્યા હતા. પરંતુ તેમાં પણ સિંહો સફળ થયા ન હતા. આખરે કાચબાના મજબૂત કવચના લીધે ત્રણેય સિંહો હાંફી જઈ થોડે દૂર બેસી ગયા હતા.
થોડી વાર બાદ કાચબાએ ફરી મોઢું બહાર કાઢીને આસપાસ જોઈ ત્યાંથી ડેમના પાણી તરફ ચાલતો થયો હતો. કાચબો ચાલતો થતા ફરી ત્રણેય સિંહોની નજર જતા તેઓ પાછળ દોડ્યા હતા. પણ ત્યાં સુધી કાચબો પાણીમાં જતો રહ્યો હતો. નિષ્ફળ શિકારના પ્રયાસમાં સિંહોને હંફાવનારી આ ઘટનાનો અદભૂત વિડિયો સાસણના નાયબ વન સંરક્ષક મોહન રામે કેમેરામાં કેદ કરી લીધો હતો, ત્યારે હાલ તો આ આ વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાઇરલ થઈ રહ્યો છે.