/connect-gujarat/media/media_files/2025/01/14/N1v49EyQvRkpYiVx2vqW.png)
જૂનાગઢના મધુરમ બાયપાસ પર મંગળવારે રાત્રે એક XUV કાર અચાનક આગની લપેટમાં આવી ગઈ હતી. કારચાલક ઈશાનભાઈ આહીર ઝાંઝરડા ચોકડી તરફ જઈ રહ્યા હતા ત્યારે મધુરમ બાયપાસથી થોડે દૂર પહોંચતાં જ કારની હેડલાઈટ્સ અચાનક બંધ થઈ ગઈ હતી. તે સાથે જ કારના બોનેટમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો.
સદનસીબે, ઈશાનભાઈએ તરત જ કાર રોકીને બહાર નીકળી જવાનો નિર્ણય લીધો, જે તેમના માટે જીવનરક્ષક સાબિત થયો. કારમાંથી બહાર નીકળ્યા બાદ ગણતરીની મિનિટોમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું અને આખી કાર આગની લપેટમાં આવી ગઈ.
ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ફાઈટર્સે પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકત્રિત થઈ ગયા હતા. આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ ન હતી, જે એક મોટી રાહતની વાત છે.