Connect Gujarat
ગુજરાત

છોટા ઉદેપુર : રસ્તા માટે લોકો રજુઆત કરીને થાકયાં, તંત્રને જગાડવા વગાડયાં "ઢોલ"

નસવાડી તાલુકાના સાકળથી આમતા ડુંગર વચ્ચે રસ્તો મંજુર થઇ ગયો હોવા છતાં કામગીરી શરૂ નહિ કરવામાં આવતાં લોકોમાં રોષ જોવા મળ્યો છે.

X

છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના સાકળથી આમતા ડુંગર વચ્ચે રસ્તો મંજુર થઇ ગયો હોવા છતાં કામગીરી શરૂ નહિ કરવામાં આવતાં લોકોમાં રોષ જોવા મળ્યો છે. વારંવાર રજુઆત કરવા છતાં કોઇ પરિણામ નહિ મળતાં આખરે ગામલોકોએ રામઢોલ વગાડી વિરોધ નોંધાવ્યો.

આ દ્રશ્યો જોઇને તમને લાગતું હશે કે આદિવાસી સમાજનો કોઇ તહેવાર છે અને ડુંગર પર એકત્ર થઇ લોકો ઉજવણી કરી રહયાં છે પણ તમારી ધારણા અને અનુમાન સદંતર ખોટુ છે. નસવાડી તાલુકાના આ લોકો તેમની રજુઆત તંત્રના બહેરા કાને સંભળાય તે માટે ઢોલ વગાડી રહયાં છે. નસવાડી તાલુકામાં પર્વતોની વચ્ચે વસેલા સાકળ અને આમતા ડુંગર ગામની વચ્ચે કાચો રસ્તો આવેલો છે. પર્વતીય વિસ્તાર હોવાથી આ રસ્તા પરથી પસાર થવું એકદમ જોખમી છે અને સહેજ પણ ચુક થાય તો જીવ ગયો જ સમજો.

આ રસ્તાનો ઉપયોગ 10 જેટલા ગામના લોકો કરે છે. ગામલોકોની રજુઆત બાદ સરકારે અહીં પાકો રસ્તો બનાવવા માટે 2.13 કરોડ રૂપિયા મંજુર કર્યા છે. માર્ચ 2021માં રસ્તાની કામગીરી શરૂ કરી ફેબ્રુઆરી 2022માં રસ્તો બનાવવાનો છે પણ નવાઇની વાત તો એ છે કે હજી કોન્ટ્રાકટરે કામગીરી પણ શરૂ કરી નથી.

સ્થાનિકોના જણાવ્યા અનુસાર વન વિભાગ તથા માર્ગ અને મકાન વિભાગ વચ્ચેના વિખવાદમાં રસ્તાની કામગીરી અટકી પડી છે. બે વિભાગો વચ્ચે ચાલી રહેલાં ગજગ્રાહમાં તેમનું રસ્તાનું કામ ખોરંભે ચઢી ગયું છે. વારંવાર રજુઆત કરવા છતાં પણ કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. રોષે ભરાયેલા લોકોએ આખરે તેમની રજુઆત તંત્ર સુધી પહોંચાડવા માટે રામઢોલ વગાડયાં હતાં. ગામલોકોને હજી પણ આશા છે કે કદાચ તંત્રના કાને તેની વાત સંભળાશે અને ટુંક સમયમાં જ રસ્તાની કામગીરી શરૂ કરી દેવામાં આવશે.

Next Story