રાણપુર તાલુકાના ગોધાવટા ગામ પાસે બની દુર્ઘટના
કોઝવેમાં મધ્યરાત્રીએ અર્ટિગા કાર તણાઈ
BAPSના સ્વામી સહિત સાત લોકો હતા સવાર
ચાર લોકોનો આબાદ બચાવ,સ્વામી સહિત ત્રણ તણાયા
બે મૃતકોના મળ્યા મૃતદેહ,સ્વામી હજી લાપતા
બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ગોધાવટા ગામ પાસે મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બોચાસણથી સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર તરફ જઈ રહેલી અર્ટિગા કાર કોઝવે પરથી પસાર થતી વખતે પાણીના તેજ પ્રવાહમાં તણાઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં કારમાં સવાર સાત વ્યક્તિમાંથી બેનાં મોત થયા છે, જ્યારે ચારનો આબાદ બચાવ થયો છે. એક સ્વામી લાપતા બન્યા છે, જેઓનીNDRF ટીમ દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે.
બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ગોધાવટા ગામ પાસે મોડી રાત્રે એક કરૂણ દુર્ઘટના સર્જાઈ હતી. સાળંગપુરBAPS મંદિરના સંતો અને હરિભક્તોને લઈ બોચાસણથી સાળંગપુર પરત ફરી રહેલી એક અર્ટિગા કાર કોઝવે પરથી પસાર થતી વખતે પાણીના તેજ પ્રવાહમાં તણાઈ ગઈ હતી. આ ઘટનામાં ડ્રાઈવર દિવ્યેશ પટેલના દસ વર્ષીય પુત્ર પ્રબુદ્ધ કાછિયા સહિત બે વ્યક્તિનાં મોત થયા છે, જ્યારે સાળંગપુરBAPS મંદિરના સંત શાંતિ ચરિત સ્વામી હજુ પણ લાપતા હોવાનું જાણવા મળ્યું છે.
કારમાં કુલ સાત લોકો સવાર હતા, જેમાં સાળંગપુરBAPS મંદિરના સંત અપૂર્વપુરુષ સ્વામી અને શાંતિ ચરિત સ્વામી તેમજ હરિભક્તો વિવેક કાપડિયા, નિકુંજ સોજીત્રા, કાર ચાલાક દિવ્યેશ પટેલ, કૃષ્ણકાંત પંડ્યા અને પ્રબુદ્ધ કાછિયાનો સમાવેશ થાય છે.
મધ્યરાત્રીની આસપાસ જ્યારે કાર ગોધાવટા ગામ પાસેના કોઝવે પાસે પહોંચી ત્યારે વરસાદને કારણે પાણીનો પ્રવાહ ઘણો તેજ હતો. તેમ છતાં ડ્રાઈવર દિવ્યેશ પટેલે કાર પાણીના પ્રવાહમાં ચલાવવાનો પ્રયાસ કરતાં કાર તણાઈ ગઈ હતી.
આ દુર્ઘટનામાં અપૂર્વ પુરુષ સ્વામી, વિવેક કાપડિયા, નિકુંજ સોજીત્રા અને કાર ચાલક દિવ્યેશ પટેલ પાણીમાંથી બહાર આવી જતાં તેમનો આબાદ બચાવ થયો હતો, જોકે શાંતિ ચરિત સ્વામી, કૃષ્ણકાંત પંડ્યા અને 10 વર્ષનું બાળક પ્રબુદ્ધ કાછિયા પાણીના તેજ પ્રવાહમાં તણાઈ ગયા હતા.
ત્યારબાદ કૃષ્ણકાંત પંડ્યા અને પ્રબુદ્ધ કાછિયાના મૃતદેહ મળ્યા છે, જ્યારે શાંતિ ચરિત સ્વામીની શોધખોળ ચાલુ હોવાનું જાણવા મળ્યું છે. ઘટના સ્થળેથી સ્વામીના ચંપલ મળ્યા છે, જે દર્શાવે છે કે તેઓ પણ આ પ્રવાહમાં તણાયા છે.
આ ઘટનાની જાણ થતાં જ બરવાળા પ્રાંત અધિકારી, મામલતદાર અને પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ટીમ દ્વારા શાંતિ ચરિત સ્વામીને શોધવા માટે સઘન બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કરુણ ઘટનાથી સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.