ગુજરાતમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરને પહોચી વળવા રાજ્ય સરકાર દ્વારા યુદ્ધના ધોરણે રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તેવામાં કેટલીક ચોંકાવનારી ઘટનાઓ પણ સામે આવી છે. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા તાલુકાના ભરાણા ગામે વેક્સિનેશન બાબતે બે જુથ વચ્ચે છુટ્ટા હાથની મારમારી થઈ હતી, ત્યારે સમગ્ર ઘટનાનો વિડીયો હાલ તો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થઈ રહ્યો છે.
રાજ્ય સરકાર દ્વારા તમામ પ્રકારે મહત્તમ રસીકરણ થાય તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જોકે, કેટલાક વિસ્તારોમાં બનેલા અણબનાવો સરકારની સારી છબીને પણ ખરડી રહ્યા છે, ત્યારે આવો જ એક ચોંકાવનારો કિસ્સો દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા તાલુકાના ભરાણા ગામમાંથી સામે આવ્યો છે. ભરાણા ગામે કોરોના વેક્સિનેશન મુદ્દે મારામારીનો બનાવ સામે આવ્યો છે. ભરાણાની તાલુકા શાળામાં લોકોને કોરોના વેક્સિન અપાઈ રહી હતી, ત્યારે અચાનક બે જૂથ વચ્ચે છુટ્ટા હાથની મારામારી થઇ હતી. જેમાં વેક્સિન સેન્ટર પર જ પથ્થર અને લાકડાના ધોકા વડે મારામારીનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો હતો. મારામારી દરમ્યાન 5 જેટલા લોકોને ઇજા પહોચી હતી. જે પૈકી 2 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હોવાનું પણ સામે આવ્યું છે.
ઘટના બાદ તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાં જ ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ત્યારબાદ આખું ગામ પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું હતું. જોકે, વેક્સિનેશન સેન્ટર પર થયેલ વિવાદ અંગેનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી, ત્યારે હાલ તો પોલીસે સીસીટીવી ફૂટેજ અને વાઇરલ થયેલ મારામારી વીડિયોના આધારે વધુ તપાસ શરૂ કરી છે.