Connect Gujarat
ગુજરાત

જુલાબમાં હિતકારી દહીં-છાશ જ બન્યા રોગનું કારણ બન્યા, કચ્છમાં 500થી વધુ લોકોને ડાયેરિયા.

કચ્છમાં એકાએક અનેક વિસ્તારોમાં ઝાડાના કેસ જોવા મળતા લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે

X

સામાન્ય રીતે ઝાડા થાય ત્યારે તબીબો દ્વારા દર્દીને દહીં અને છાશ લેવાની સલાહ આપવામાં આવે છે. પણ કચ્છમાં દહીં અને છાશ થકી જ લોકોને ડાયેરિયા થયા હોવાનું સામે આવ્યું છે. દૂધની બનાવટોમાં મોટાપાયે ફૂડ પોઈઝનિંગની આશંકા છે. છેલ્લા 2 દિવસમાં ઝાડાના મોટા પ્રમાણમાં કેસ સામે આવતા દૂધનું પેકિંગ અને દહી બનાવનાર કંપનીએ ભુજ, મુન્દ્રા, અબડાસા, ગાંધીધામ તાલુકાના બજારમાંથી માલ પણ પરત ખેંચી લીધો હોવાનું જાણવા મળ્યું છે. આ સાથે જ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા ઠેર ઠેર દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

કચ્છમાં એકાએક અનેક વિસ્તારોમાં ઝાડાના કેસ જોવા મળતા લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. પણ હકીકત તપાસતા સામે આવ્યું કે, તૈયાર દૂધ-દહીં અને છાશ પીવાના કારણે લોકોને ઝાડા થયા છે. મળતી વિગતો મુજબ, શનિવાર અને રવિવારે સપ્લાય કરવામાં આવેલા માલમાં આ ગરબડ જણાઈ છે. જે જે સ્થળોએ આ માલ ગયો છે, અને જેઓએ દૂધ-દહીં અને છાશનું સેવન કર્યું છે, તેમને પેટમાં દુખાવા બાદ ઝાડાની ફરિયાદ કરી હતી. ઘણા લોકોના ઘરમાં ઝાડાની દવા હોય છે, જેથી ઘરે જ ઉપચાર અથવા તો મેડિકલ સ્ટોરમાંથી ગોળી લેતા તબિયતમાં સુધારો હતો. તો ઘણા લોકો ભુજની જનરલ હોસ્પિટલમાં સારવાર માટે પહોંચ્યા હોવાનું સત્તાવાર રીતે જાણવા મળ્યું હતું.

સમગ્ર જિલ્લામાં વિવિધ સ્થળોએ 500થી 700 લોકો ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે. જોકે, એકાદ દિવસ આવા પેકિંગનો ઉપયોગ ટાળો, જેથી એક જ બેચનો માલ હોય તો અસર ન થાય તેમ વહીવટી તંત્રએ જણાવ્યુ હતું. તો બીજી તરફ, ક્ચ્છ સરહદ ડેરીના જવાબદારોનું આ મામલે હજુ પણ મૌન જોવા મળી રહ્યું છે.

Next Story