અરબ સાગરમાં સર્જાયેલા ચક્રવાત 'બિપરજોય' અતિ પ્રચંડ બની રહ્યું છે ત્યારે ગુજરાતના તમામ દરિયા કિનારા પર ભયસૂચક સિગ્નલ લગાવવામાં આવ્યા છે.
અરબ સાગરમાં સર્જાયેલા ચક્રવાત 'બિપરજોય' હવે અતિપ્રચંડ બની શકે છે. હાલ બિપરજોય વાવાઝોડું પોરબંદરથી 340 કિલોમીટર જ્યારે દ્વારકાથી 380 કિલોમીટર દૂર છે. હવે ધીમે ધીમે આગળ વધી રહ્યુ છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 15 જૂને વાવાઝોડું કચ્છના માંડવી અને પાકિસ્તાનના કરાચી વચ્ચે ટકરાઈ શકે છે. ત્યારે ગુજરાતના દરિયાકાંઠાના તમામ જિલ્લામાં વહીવટીતંત્ર એલર્ટ બન્યું છે. રાજ્યનાં તમામ બંદરો પર મંગળવાર અને બુધવારથી જ ભયસૂચક સિગ્નલ લગાવી દેવામાં આવ્યાં છે. હવામાન વિભાગે 15 અને 16 જૂનના રોજ કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા માટે વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે આજે કચ્છમાં દરિયાકિનારાના વિસ્તારમાં સાવચેતીના ભાગરૂપે વહીવટીતંત્ર દ્વારા કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે.બીજી તરફ પોરબંદર, જામનગર, ઓખા, સલાયા, મુન્દ્રા, માંડવી અને જખૌ પોર્ટ પર નવ નંબરનું અતિભય સૂચક સિગ્નલ લગાવવામાં આવ્યું છે.