હવામાન વિભાગના અનુસાર, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આજે વરસાદની આગાહી કરાઈ છે. રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે. જેને લઈ આજે અરવલ્લી, દાહોદ, મહીસાગર અને પંચમહાલ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી સાત દિવસ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસશે . આજે અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ, સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં વરસાદ વરસશે.
આવતીકાલે અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, સુરત, નવસારી અને વલસાડમાં વરસાદ વરસશે.
હવામાન વિભાગના મતે, વરસાદની સાથે 30 થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે. ભારે વરસાદની આગાહીને લઈ NDRF પણ એક્શનમાં છે. NDRFની 3 ટીમ 3 જિલ્લામાં તૈનાત કરાઈ છે. એક ટીમ કચ્છમાં એક રાજકોટમાં અને એક ટીમ વલસાડમાં તૈનાત કરાઈ છે. NDRFની એક ટીમમાં 30 સભ્ય હોય છે.