સંઘપ્રદેશ દાદરા અને નગર હવેલીના 68માં મુક્તિ દિવસની ઉજવણી પ્રદેશના પાટનગર સેલવાસ ખાતે કરવામાં આવી હતી. જેમાં કોરોના મહામારીના કારણે સાદગીપૂર્ણ રીતે મુક્તિ દિવસ ઉજવાયો હતો.
ગુજરાત રાજ્યના પડોસમાં આવેલ નાનકડા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીનો આજે 68મો મુક્તિ દિવસ છે, ત્યારે વર્ષો સુધી પોર્ટુગીઝ શાસકોની કારમી ગુલામી સહન કર્યા બાદ ગુલામીમાંથી આઝાદીની યાદમાં આજે પ્રદેશના પાટનગર સેલવાસમાં સાદગીપૂર્ણ રીતે મુક્તિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ભારતીય સેના અને પ્રદેશના અનેક નામી અનામી સ્વાતંત્ર સેનાનીઓના અથાગ પ્રયાશોથી મળેલ આઝાદીની યાદ અપાવતા આ દિવસને રાષ્ટ્રિય પર્વની જેમ ઉજવવામાં આવે છે, ત્યારે આજે મુક્તિ દિવસની યાદમાં જાહેર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દાદરા અને નગરહવેલીના કલેક્ટર સંદીપ કુમારના હસ્તે તિરંગો ફરકાવી પરેડની સલામી ઝીલવામાં આવી હતી.
મુક્તિ દિવસની ઊજવણી વખતે પ્રદેશના કલેક્ટર સંદીપ કુમાર દ્વારા પ્રજાજોગ પોતાના સંબોધનમાં પ્રદેશની આઝાદી માટે લડાયેલ સ્વાતંત્ર સંગ્રામનો ભવ્ય ઇતિહાસ યાદ કર્યો હતો. આઝાદીથી અત્યાર સુધીની પ્રદેશની વિકાસગાથા વર્ણવી હતી. ઉપરાંત પ્રદેશના વિકાસની રૂપરેખા પણ લોકો સમક્ષ મુકી હતી.