રાજ્યમાં વરસાદ ખેંચાતા ધરતીપુત્રો ચિંતામાં મુકાયા છે ત્યારે વરુણદેવને રીઝવવા ને રીઝવવા પ્રાચીન પરંપરા પ્રમાણે દાહોદ જિલ્લામાં કુંવારી કન્યાઓ છાણ-માટીના દેડકમાતા બનાવી ગામઠી ભાષામાં ગીત ગાતા ઘરે-ઘરે ફરે છે.
ચોમાસાનો પ્રારંભ થઈ ગયો છે પરંતુ વરસાદ ખેંચાતા દાહોદ જિલ્લાના ખેડૂતો ચિંતામાં મુકાયા છે. દાહોદ જીલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે ત્યારે અહીના આદિવાસી સમાજમાં અનેક અલગ-અલગ પરંપરાઓ પણ રહેલી છે જ્યારે વરસાદ ખેચાય છે ત્યારે પણ અલગ રીતે વરૂણદેવને રીઝવવાની વર્ષો જૂની પરંપરાઓ આજે પણ યથાવત છે. અલગ અલગ માન્યતા પ્રમાણે લોકો મેઘરાજાને રીઝવવાનો પ્રયાસ કરે છે. તેમાની એક પરંપરા દેડકમાતા બનાવીને ઘરે ઘરે ફરવાની પણ છે જે ઝાલોદ તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ જોવા મળે છે.
ઝાલોદ તાલુકાના કારઠ ખાતે પ્રાચીન સમયથી ચાલી આવતી આ પરંપરા પ્રમાણે જ્યારે પણ વરસાદ ખેચાય છે ત્યારે ગામની કૂવારીકાઓ ગાયના છાણ અને માટીમાંથી દેડકમાતા બનાવે છે અને તેને માથા પર મૂકી વરુણદેવને રીઝવતા ગામઠી ભાષામાં ગીતો ગાતા જઈને ગામના દરેક ઘરે ઘરે જાય છે. અને ઘર આંગણે આવેલ કન્યાને પાણીથી વધાવી કન્યાઓને લોટ, ગોળ, તેલ કે ચોખા આપવામાં આવે છે અને જલ્દી વરસાદ આવે તે માટે વરુણ દેવને પ્રાર્થના કરવામાં આવે છે. પ્રાચીન સમયથી ચાલી આવતી પરંપરા આજે પણ યથાવત છે અને લોકોની માન્યતા પ્રમાણે વરસાદ જલ્દી આવે છે.