ગુજરાતમાં તારાજી : રાજ્યભરમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસેલા માવઠા’એ ભારે કરી..!

હવામાન વિભાગે ગુજરાત રાજ્યમાં હજુ પણ આગામી 3 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે, ત્યારે ગતરોજ બપોર બાદ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે માવઠું વરસ્યું હતું.

New Update
ગુજરાતમાં તારાજી : રાજ્યભરમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસેલા માવઠા’એ ભારે કરી..!

રાજ્યભરમાં છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલી અસહ્ય ગરમી વચ્ચે મધ્યપ્રદેશમાં સર્જાયેલા ચક્રવાતના કારણે સૌરઠ, મધ્ય-ઉત્તર અને દક્ષિણ ગુજરાતના ઘણા ભાગોમાં 40થી 50 કિમીની ઝડપે ફૂંકાયેલા પવન અને ગાજવીજ સાથે માવઠું તૂટી પડ્યું હતું.

હવામાન વિભાગે ગુજરાત રાજ્યમાં હજુ પણ આગામી 3 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે, ત્યારે ગતરોજ બપોર બાદ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે માવઠું વરસ્યું હતું. મધ્યપ્રદેશમાં સર્જાયેલા ચક્રવાતના કારણે સૌરઠ, મધ્ય-ઉત્તર અને દક્ષિણ ગુજરાતના ઘણા ભાગોમાં 40થી 50 કિમીની ઝડપના પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. જેના કારણે લોકોએ ગરમીમાં રાહતનો અનુભવ કર્યો હતો. જોકે, માવઠાને કારણે કેરી અને ઉનાળુ પાકને ભારે નુકશાન થયું છે. સુરેન્દ્રનગર અને હિંમતનગરમાં વીજળી પડતા 2 યુવકના મોત થયા હતા, જ્યારે એક મહિલાનું ઝૂંપડાં નીચે દબાઈ જવાથી મોત થયું હતું. તો બીજી તરફ, અરવલ્લીમાં પણ વરસાદ વચ્ચે વીજળી પડતાં એક વ્યક્તિનું મોત નીપજયું હતું. હવામાન ખાતાએ દક્ષિણ ગુજરાત સહિત રાજ્યભરમાં અનેક સ્થળે 16મી મે સુધી કમોસમી વરસાદ પડવાની આગાહી કરી છે. તેવામાં ગતરોજ અમરેલીમાં સવા ઇંચ વરસાદ ખાબકતા અનેક સ્થળે વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થયા હતા, જ્યારે અમરેલીના ઈશ્વરીયા ગામે વીજળી પડતાં 25થી વધુ ઘેટાં-બકરાના મોત નિપજ્યાં હતા. દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, તાપી, ડાંગ, સુરત સહિત ભરૂચ જીલ્લામાં પણ વરસાદે ધમાકેદાર બેટિંગ કરી હતી. આ તરફ ભરૂચ જિલ્લાના જંબુસર પંથકમાં પણ ભારે પવન અને વરસાદના કારણે માર્ગ પર અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા, ત્યારે જંબુસર તાલુકાના કાવી પોલીસ મથકના PSI વૈશાલી આહીર સહિતના સ્ટાફે માર્ગ પર ધરાશાયી થયેલા ઘટાદાર વૃક્ષોને હટાવી માર્ગ પરનો વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. જોકે, મધ્યપ્રદેશ ઉપર બનેલા ચક્રવાતની અસર ઉત્તર ગુજરાતમાં આગામી તા. 17 મે સુધી રહી શકે છે. જેના કારણે ઉત્તર ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા વર્તાય રહી છે.

Latest Stories