યાત્રાધામ અને શક્તિપીઠ તરીકે ઓળખાતા મહાકાળી માતાના ધામ પાવાગઢ મંદિરે હવેથી શિખર ઉપર ધજા ચઢાવી શકાશે જો કે આ માટે ટ્રસ્ટ દ્વારા ભાવ નક્કી કરવામાં આવ્યા છે.
યાત્રાધામ અને શક્તિપીઠ તરીકે ઓળખાતા મહાકાળી માતાના ધામ પાવાગઢ મંદિરે હવેથી શિખર ઉપર ધજા ચડાવી શકાશે. માઈ ભક્તો માટે ટ્રસ્ટી મંડળે દક્ષિણાના અલગ-અલગ દર પણ નક્કી કર્યા છે તે અંગેની પણ મહત્વની જાહેરાત કરી છે. મહત્વનું છે કે, યાત્રાધામ પાવાગઢના મહાકાળી મંદિરના નવનિર્માણ બાદ અહીં આવનારા ભક્તોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. ત્યારે પાવાગઢ મંદિરના ટ્રસ્ટીઓએ મંદિરમાં અવાનારા ભક્તોની સુવિધા અને મંદિરની દક્ષિણામાં વધારો થાય તેવા પ્રયત્નોના ભાગરૂપે ટ્રસ્ટ દ્વારા આ પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, 26 સપ્ટેમ્બર, 2022થી શરૂ થતી આસો નવરાત્રીના પહેલા દિવસથી જ તેનો અમલ કરવામાં આવશે.
જે માઈ ભક્તો મંદિરના શિખર ઉપર ધજા ચડાવવા ઇચ્છતા હોય તે યજમાન ભક્તોને મંદિર તરફથી ધજા અને પ્રસાદી, પૂજાપો તેમજ ધૂપ આપવામાં આવશે. એ સિવાય મંદિરમાં પૂજા કરાવવામાં આવશે અને મંદિર દ્વારા ધજાને શિખર ઉપર ચડાવવામાં આવશે. મંદિરના ટ્રસ્ટીઓએ નક્કી કરેલા ભાવ મુજબ નવ દિવસ સુધી દરરોજની પાંચ ધજા ચડાવવામાં આવશે અને એક ધજા મંદિરના પ્રમુખના નિર્ણય ઉપર વધારાની ચડાવવામાં આવશે. જો યજમાને ચડાવેલી ધજાને તેઓ ઘરે લઈ જવા માંગતા હોય તો મંદિર ટ્રસ્ટને કુરિઅર કરી મોકલી આપશે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવશે.