Connect Gujarat
ગુજરાત

આઝાદીના અમૃત કાળે ડાંગના “અનસંગ હીરો”ના પરિવારજનોનું કરાયું સન્માન...

ત્રણ સ્વતંત્રતા સંગ્રામના બાળ લડવૈયાઓના પરિવારજનોનું રાજ્ય સરકાર વતી યથોચિત સન્માન કરાયું

આઝાદીના અમૃત કાળે ડાંગના “અનસંગ હીરો”ના પરિવારજનોનું કરાયું સન્માન...
X

આઝાદ ભારતના સ્વતંત્ર સંગ્રામ સહિત ડાંગમાં શિક્ષણની જ્યોત પ્રજ્વલિત કરનારાઓના યોગદાનની વહીવટ તંત્ર દ્વારા નોંધ લઈ “અનસંગ હીરો”ના પરિવારજનોનું સન્માન કરાતા સ્વાતંત્ર્ય જંગના લડવૈયાઓના પરિવારજનોએ તંત્ર તથા સરકાર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.

આઝાદીના અમૃત કાળમાં યોગ્ય માન સન્માન અને ઓળખથી વંચિત રહી ગયેલા છુપા રત્નો, આઝાદીના લડવૈયા અને સ્વતંત્રતા સંગ્રામમાં યથાયોગ્ય યોગદાન આપનારા અનસંગ હીરોને ઓળખી તેમનું ગૌરવગાન કરવામાં આવી રહ્યું છે, ત્યારે ડાંગ જિલ્લાના પણ આવા જ ત્રણ સ્વતંત્રતા સંગ્રામના બાળ લડવૈયાઓના પરિવારજનોનું રાજ્ય સરકાર વતી યથોચિત સન્માન કરાયું હતું.

ડાંગ જિલ્લા રમતગમત કચેરી દ્વારા ડાંગની બંધુ ત્રિપુટીના નામે ઓળખાતા સ્વ. છોટુભાઈ ગુલાબભાઈ નાયક, સ્વ. ઘેલુભાઈ ગુલાબભાઈ નાયક અને સ્વ. ધીરુભાઈ ગુલાબભાઈ નાયકના પુત્રો અનુક્રમે દેવેન્દ્રભાઈ છોટુભાઈ નાયક, કિર્તિકુમાર ઘેલુભાઈ નાયક અને વનરાજભાઈ ધીરુભાઈ નાયકનું શાલ-પુષ્પગુચ્છ અને મોમેન્ટો આપી અભિવાદન કરાયું હતું. સ્વતંત્ર સંગ્રામના ઇતિહાસથી નવી પેઢી અવગત થાય તેવા શુભાશય સાથે આરંભાયેલા આઝાદીના અમૃત મહોત્સવની સને ૧૨મી માર્ચ-૨૦૨૧થી શરૂ થયેલી ઉજવણી, આવા કાર્યક્રમો થકી સાચા અર્થમાં સાર્થક થઈ રહી છે.

તેમ નવી પેઢીની આ બંધુ ત્રિપુટીએ એક સુરે સરકાર પ્રત્યે અહોભાવ વ્યક્ત કરતા જણાવ્યુ હતું. ભારતના અમૃત કાળમાં યોજાઇ રહેલા શ્રેણીબદ્ધ કાર્યક્રમોથી ભારતની ભાવિ પેઢીના ઘડતરનું કાર્ય થઈ રહ્યું છે, તેમ જણાવતા ડાંગ જિલ્લા વિકાસ અધિકારી આર.એમ.ડામોરે એક સમયના અંધારિયા મૂલકમાં શિક્ષણની જ્યોત પ્રજ્વલિત કરનાર સંસ્થાના પ્રયાસોની પણ સરાહના કરી હતી. આ ભાવસભર ભાવનાત્મક કાર્યક્રમમાં જિલ્લા રમતગમત અધિકારી વિરલ પટેલ, યુવા અધિકારી રાહુલ તડવી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story