New Update
ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ખેડૂતોના હિતમાં વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.રાજ્ય સરકારના ખેડૂત હિતલક્ષી નિર્ણય અંગે માહિતી આપતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૩-૨૪ના ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી આગામી તા. ૨૦મી જૂનથી શરુ થશે. રાજ્યભરના ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે રૂ. ૧૦૮ કરોડની કિંમતનો ૧૨,૬૩૩ મેટ્રિક ટન જેટલો જથ્થો ખરીદી કરવાનું અનુમાન છે. ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી માટે ગત તા. ૧૪મી જૂનથી ખેડૂતોની નોંધણી શરુ કરી દેવામાં આવી છે.
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, અત્યારે રાજ્યની વિવિધ એ.પી.એમ.સી. ખાતે મગ પાકનો સરેરાશ બજાર ભાવ ખેડૂતોની પડતર કિંમતની સામે અપેક્ષા કરતા થોડો ઓછો હોવાથી, રાજ્યના કોઇપણ ખેડૂતને આર્થિક નુકશાન ન થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. ખેડૂતોને ઉનાળુ મગની પડતર કિંમત સામે પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪ માટે મગ પાકનો ટેકાનો ભાવ રૂ. ૮,૫૫૮ પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવ્યો છે.રાજ્યમાં મગ પાકના વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને ધ્યાને રાખીને ટેકાના ભાવે ખરીદી માટે ૪૫ ખરીદ કેન્દ્રો સૂચિત કરવામાં આવ્યા છે. મગની ટેકાના ભાવે ખરીદી નાફેડ થકી રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત કરાયેલી રાજ્યની નોડલ એજન્સી ઇન્ડીએગ્રો કોન્સોર્ટીયમ પ્રોડ્યુસર કં. લિ. (FPO) મારફત કરવામાં આવશે. મગની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોએ ગ્રામ્ય કક્ષાએ ઇ-ગ્રામ કેન્દ્રો પરથી VCE મારફત નોંધણી કરાવી શકશે, જેના માટે ખેડૂતોએ કોઇ ચાર્જ ચૂકવવાનો રહેશે નહી.
Latest Stories