રાજ્યમાં ચૂંટણીના પડઘમ વાગતાની સાથે જ અચાનક અનેક પ્રકારના આંદોલન ઊભા થયા હતા જેમાં આરોગ્યકર્મીઓ, શિક્ષકો,સરકારી કર્મીઓ સહિતના અનેક લોકોએ ધરણા અને પ્રદર્શન કર્યા. જોકે બાદમાં એક બાદ એક આંદોલન પર માંગ સ્વીકારી અથવા વાતચીત કરવામાં સફળ રહી છે ત્યારે કિસાન સંઘની માંગને લઈને મુખ્યમંત્રી એક્શનમાં દેખાઈ રહ્યા છે. રાજ્ય કિસાન સંઘની માંગને લઈને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અગાઉ બેઠક કરી હતી અને શનિવારે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
સમગ્ર મામલે હાઇલેવલ કમિટીની રચના કરવામાં આવી છે જેમાં 10 સભ્યો હશે. આ દસ સભ્યોમાં ત્રણ રાજ્ય સરકારના મંત્રીઓ છે, જેમાં જીતુ વાઘાણી, રાઘવજી પટેલ, ઉર્જામંત્રી કનુ દેસાઈ નો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સિવાય કિસાન સંઘના પ્રતિનિધિઓને સમિતિમાં અપાયુ છે સ્થાન. ગુજરાત સરકારે બાંહેધરી આપતા આઠમી ઓક્ટોબરે 'કિસાન સંઘ'નું આંદોલન પૂર્ણ થઇ ગયું હતું. મહત્વનું છે કે, કિસાન સંઘે 10થી વધુ માંગણીઓ સાથે ગુજરાત સરકાર સામે આંદોલન કર્યું હતું.
ત્યારે ખેડૂતોની માંગણીઓને લઈને ગુજરાત સરકારે બાંહેધરી આપતા અંતે 'કિસાન સંઘ'નું આંદોલન સમેટાઈ ગયું હતું. આ અંગે પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ પત્રકાર પરીષદ યોજી ખેડૂતના હિતમાં લીધેલા કેટલાક નિર્ણયો પણ જાહેર કર્યા હતા.