હેડ કલાર્કની ભરતીના પેપર લીકના મામલે હવે ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે વિડીયો વોર શરૂ થયું છે. ભાજપના યુવા મોરચાના અધ્યક્ષ પ્રશાંત કોરાટ આપના કાર્યકરો સાથે ઘર્ષણ વેળા હાથમાં લાકડી લઇને ફરતાં હોય તેવો વિડીયો વાયરલ થયો છે.
ગાંધીનગરમાં આજથી ચાર દિવસ પહેલા ભાજપના પ્રદેશ કાર્યલય ખાતે આપના કાર્યકર્તાઓએ હોબાળો મચાવ્યો હતો. ભાજપની મહિલા નેતાએ આપના આગેવાનો વિરૂધ્ધ છેડતીની ફરિયાદ નોંધાવી છે. ઇસુદાન ગઢવી સહિત આપના 70 જેટલા કાર્યકરો રાયોટીંગ તથા અન્ય ગુનાઓ સબબ સાબરમતી જેલમાં છે. કમલમના પરિસરમાં બનેલી ઘટનાના અનેક વિડીયો સામે આવી રહયાં છે જેમાં ભાજપના યુવા મોરચાના અધ્યક્ષ પ્રશાંત કોરાટ હાથમાં લાકડી લઇને ફરતાં હોય તેવો વિડીયો સામે આવ્યો છે. વિડીયો બાદ ભાજપ બેકફુટ પર આવી છે અને પ્રશાંત કોરાટનો બચાવ કરવા લાગી છે. પ્રદેશ પ્રવકતા યજ્ઞેશ દવેએ જણાવ્યું હતું કે, પ્રશાંત કોરાટના હાથમાં લાકડી ભલે હોય પણ કોઇને મારતાં હોય તેવો તેમનો વિડીયો કે ફોટો સામે આવ્યો નથી.