/connect-gujarat/media/post_banners/cd2bef4f759e5397d528b079923b981513dede2277c8b33d09b1e65ca3496f6d.jpg)
ગાંધીનગરના દહેગામ તાલુકાના ઝાંક ગામે માલધારી મહાપંચાયતની બેઠકમાં માલધારી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. માલધારી સમાજે સરકારને આપેલી મુદતના 25 દિવસ પૂર્ણ થતાં બેઠક બોલાવી હતી. જેમાં સરકારે બનાવેલા નવા ઢોર નિયંત્રણ કાયદાથી માલધારી સમાજને નુકશાન થતું હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો.
રાજ્યમાં ઢોર નિયંત્રણ કાયદાને મોકૂફ રાખ્યા બાદ સરકારે કોઈ યોગ્ય વિકલ્પ ન આપતાં માલધારી સમાજ લડી લેવાના મૂડમાં આવ્યો છે. સરકારે 15 દિવસમાં નિર્ણય જાહેર કરવાની ખાતરી આપી હતી. પરતું 25 દિવસ વીતી જવા છતાં કોઈ જાહેરાત ન કરાતાં માલધારી સમાજમાં રોષ વ્યાપ્યો છે. જેના ભાગરૂપે દહેગામ પાસેના ઝાંક ગામમાં માલધારી મહાપંચાયતની બેઠક મળી હતી. જેમાં રાજ્યભરમાંથી માલધારી સમાજના આગેવાનોએ બેઠકમાં ઉપસ્થિત આ કાયદાના વિરુદ્ધમાં રણનીતિ ઘડી હતી.
માલધારી સમાજના પ્રવક્તાએ આક્ષેપ કર્યો હતો કે, સરકાર આંદોલન તોડવાના પ્રયત્નો કરી રહી છે. પરંતુ આંદોલન તૂટશે નહીં, જ્યાં સુધી માંગ નહીં સંતોષાય ત્યાં સુધી આંદોલન ચાલશે. રાજ્યના મોટાભાગના શહેરોમાં રખડતા ઢોરના આતંકથી પ્રજા પરેશાન છે. આખલા સહિત રખડતા ઢોરના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ છે, ત્યારે શહેર અને ગામડાઓમાં રખડતા ઢોરને પકડીને પાંજરે પુરવા માટેની ઉગ્ર માગ ઉઠી છે. તો બીજી તરફ સરકારે બનાવેલા નવા ઢોર નિયંત્રણ કાયદાથી માલધારી સમાજને નુકશાન થતું હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો.