Connect Gujarat
ગુજરાત

ગીર સોમનાથ : બેન્કના જ 3 કર્મચારીઓએ આચર્યું કરોડો રૂપિયાનું કૌભાંડ, મોડસ ઓપરેન્ડી જોઈ પોલીસ પણ ચોંકી...

એક્સિસ બેન્કમાં સેલ્સ મેનેજર તરીકે ફરજ બજાવતા માનસિંઘ ગઢીયા, વિપુલ રાઠોડ અને પીન્કી ખેમચંદાણી માસ્ટર માઈન્ડ નીકળ્યા

X

વેરાવળ શહેરની એક્સિસ બેન્કમાં કરોડો રૂપિયાની ઉચાપત

બેન્કના જ 3 કર્મચારીઓએ કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યું

બેન્ક મેનેજર સહિત 3 કર્મચારીઓની પોલીસે કરી ધરપકડ

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં આવેલ એક્સિસ બેન્કના 3 કર્મચારીઓએ જ બેન્કને અંધારામાં રાખી કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યું હોવાના બનાવથી ખળભળાટ મચી જવા પામ્યો છે. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરના ટાવર ચોક વિસ્તારમાં આવેલ એક્સિસ બેન્કમાં સેલ્સ મેનેજર તરીકે ફરજ બજાવતા માનસિંઘ ગઢીયા, વિપુલ રાઠોડ અને પીન્કી ખેમચંદાણી માસ્ટર માઈન્ડ નીકળ્યા છે.

આ ત્રણેય આરોપીઓની મોડસ ઓપરેન્ડી જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ ત્રણેએ મળીને પૂર્વ નિયોજીત કૌભાંડ આચર્યું છે. પોલીસના જણાવ્યા મુજબ, આ 3 કર્મચારીઓ જે કોઈ ગ્રાહક ગોલ્ડ લોન લેવા બેન્કમાં આવે તેને નિયમ પ્રમાણે ગોલ્ડ લોન આપીને તેમના સોનાના દાગીનાનું ઓડિટ થયા બાદ વેરિફિકેશન કરી પાઉચમાંથી અસલ દાગીના બહાર કાઢી લઈ તેમાં નકલી દાગીના મુકીદેતા હતા. એટલું જ નહીં, ડમી ગ્રાહકો ઊભા કરી તેઓ ફરી પાછા સાચા દાગીનાના નામે લોન પણ મેળવતા હતા.

જોકે, એક્સિસ બેન્કમાં સરપ્રાઈઝ ઓડીટ થતાં પાંઊચમાં રાખેલા દાગીના શંકાસ્પદ અને ઓછા વજન સાથે નકલી જણાતા બેન્ક મેનેજર રામ સોલંકી દ્વારા વેરાવળ પોલીસ મથકે બેન્કના જ 3 કર્મચારી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરી છે. હાલના તબક્કે રૂ. 2 કરોડના 2 કિલો 746 ગ્રામ સોનાની ઠગાઈ સામે આવી છે, જ્યારે ગોલ્ડ લોનના 426 પાઉચની પણ તપાસ શરૂ કરાતા પ્રથમ 06 પાઉચની તપાસમાં જ રૂ. 2 કરોડની ઉચાપત સામે આવી છે, ત્યારે હજુ અન્ય પાઉચની તપાસમાં 10 દિવસ જેટલો સમય લાગશે. તેવામાં ઉચાપતનો આંક રૂ. 12થી 15 કરોડને આંબે તેવી શક્યતા સેવાય રહી છે.

Next Story