ગીર સોમનાથ જિલ્લાના તાલાલાથી આંબળાશ જતો 13 ગામના લોકો માટે મહત્વનો ગણાતો માર્ગ છેલ્લા ઘણા સમયથી અતિ બિસ્માર અવસ્થામાં આવી જતાં ગ્રામજનોએ બિસ્માર માર્ગના સમારકામની માંગ કરી છે.
આમ તો ચોમાસુ બેસે ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના પગલે માર્ગ બિસ્માર બનતા હોય છે, પરંતુ ગીર સોમનાથ જિલ્લાના તાલાલાથી આંબળાશ જતો માર્ગ છેલ્લા ઘણા સમયથી અતિ બિસ્માર બન્યો છે. 13 ગામના લોકો માટે મહત્વનો ગણાતો માર્ગ બિસ્માર અવસ્થામાં આવી જતાં ગ્રામજનોએ સમારકામની માંગ કરી છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, તાલાલાથી આંબળાશ ગામ સુધીના માર્ગ ઉપર ઠેર ઠેર મોટા ગાબડાં પડ્યા છે. તેવામાં બાંધકામ વિભાગ સ્થળ મુલાકાત કરી લોકોની વેદના સાંભળી ચોમાસાં પૂર્વે બિસ્માર માર્ગની જરૂરી મરામત કરાવે તે અનિવાર્ય બન્યું છે.
તાલાલા-આંબળાશ માર્ગ પર કેટલીક જગ્યાએ તો માર્ગ નામશેષ થઈ ગયો હોય, ત્યારે આ માર્ગ પરથી પસાર થવું પણ વાહનચાલકો માટે કઠિન બની ગયું છે. બિસ્માર માર્ગની મરામત માટે વારંવારની રજૂઆતો છતાં પણ બાંધકામ વિભાગ તરફથી કોઈપણ કાર્યવાહી કરવામાં આવી નથી. ચોમાસા દરમિયાન બિસ્માર માર્ગના કારણે અકસ્માતો થવાની ભિતિ વ્યક્ત થઈ રહી છે, ત્યારે વહેલી તકે બિસ્માર રસ્તો નહીં બને તો ગ્રામજનોએ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. તો બીજી તરફ, આંબળાશ ગીર ગામના સરપંચે જિલ્લા વહીવટી તંત્ર સહિત બાંધકામ વિભાગના ઉચ્ચ સત્તાવાળાઓ સમક્ષ આ મામલે રજૂઆત કરી છે.