-
ગુજરાત આહીર સેના દ્વારા શૌર્ય દિવસની ઉજવણી
-
ભાલકાતીર્થ ખાતે યોજાયો કાર્યક્રમ
-
શહીદ વીર 114 આહીર જવાનોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા
-
બ્રહ્માકુમારી પરિવાર પણ રહ્યો ઉપસ્થિત
-
સેનામાં આહીર રેજીમેન્ટની કરાઈ બુલંદ માંગ
ગુજરાત આહીર સેના દ્વારા 114 શહીદ વીર આહીર જવાનોની યાદમાં ભાલકાતીર્થ ખાતે શૌર્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત આહીર સમાજ વેરાવળથી સોમનાથ અને ભાલકા સુધી ભવ્ય બાઇક અને કાર રેલી સાથે બંને મંદિરો પર ધ્વજારોહણ કર્યું હતું.અને આ પ્રસંગે સેનામાં આહીર રેજીમેન્ટની માંગ પણ કરવામાં આવી હતી.
ગુજરાત આહીર સેના દ્વારા 114 શહીદ વીર આહીર જવાનોની યાદમાં ભાલકાતીર્થ ખાતે શૌર્ય દિવસની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં ગુજરાત આહીર સમાજના પ્રમુખ જવાહર ચાવડા,બ્રહ્માકુમારીઝ પરિવાર ઉપસ્થિત રહીને શહીદ વીરોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.જ્યારે આહિર સમુદાય દ્વારા રેડક્રોસ સોસાયટીના સહયોગ સાથે રક્તદાન પણ કરવામાં આવ્યું હતું.
ગુજરાત આહિર સેના દ્વારા આયોજિત શૌર્ય દિવસની ઉજવણીના કાર્યક્રમને બિરદાવતા ગુજરાત આહિર સમાજના પ્રમુખ જવાહર ચાવડાએ જણાવ્યું હતું કે, આવા કાર્યો કરવાથી એક વિચાર સાથે સમાજ સંગઠિત થશે અને જો સમાજ સંગઠિત થશે તો જ આ લોકશાહી દેશમાં આપણી તાકાતથી જીવી શકીશું.જવાહર ચાવડાએ આહિર રેજિમેન્ટની માંગને દોહરાવતા જણાવ્યું હતું કે, એ સમયમાં સમાજના લોકોએ આપેલા બલિદાનથી પ્રેરાઈને આજે આહીર રેજીમેન્ટની માંગ કરવામાં આવી રહી છે.
ત્યારે આહીર સમાજને સરકાર પાસેથી કોઈ સહાય નથી જોતી, પરંતુ આહીર સમાજ દેશ કાજે બલિદાન આપવા માંગે છે.પોતાનું લોહી આપવા માંગે છે. આ રાષ્ટ્રને અમે અમારી જાત સમર્પિત કરવા માંગીએ છીએ અને તેના માટે અમે અમારી ઓળખ માંગીએ છીએ અને એ ઓળખ છે આહીર રેજીમેન્ટ.