ગીર સોમનાથ જિલ્લાના આલિદર ગામમાં રહેતો વિવાન તમને યાદ હશે. વિવાન પણ મહિસાગરના ધૈર્યરાજસિંહની જેમ સ્પાઈનલ મસ્ક્યુલર એટ્રોફી નામની બિમારીથી પીડાતો હતો. ધૈર્યરાજસિંહ માટે 16 કરોડ રૂપિયાની રકમ એકત્રિત થઇ જતાં તેને અમેરિકાથી મંગાવેલું 16 કરોડ રૂપિયાનું ઇન્જેકશન આપી જીવ બચાવી લેવાયો છે જયારે વિવાને પોતાનો જીવ ગુમાવી દીધો છે.
મહિસાગરના ધૈર્યરાજસિંહ માટે 16 કરોડ રૂપિયા ભેગા કરી સખાવતીઓએ માનવતા મહેંકાવી હતી. ગીર- સોમનાથના આલિદર ગામના વિવાનને પણ સ્પાઇન મકયુલર એટ્રોફીની બિમારી થઇ હતી. વિવાનના પિતા અશોક વાઢેળ કચ્છની ખાનગી કંપનીમાં ફરજ બજાવે છે. થોડા સમય પહેલા વિવાન બિમાર પડતાં તેને જુનાગઢ સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. વિવાનને ગંભીર બિમારી હોવાનું જણાતા તેના રીપોર્ટ ચેન્નાઇ મોકલવામાં આવ્યાં હતાં. જયાં તેને સ્પાઈનલ મસ્ક્યુલર એટ્રોફીની બિમારી હોવાનું નિદાન થયું હતું.
આ જવલ્લે જ જોવા મળતી બિમારી છે અને તેના ઇલાજ માટે અમેરિકાથી ખાસ ઇન્જેકશન મંગાવવું પડતું હોય છે. વિવાન માટે પણ લોકોએ દાન આપવાની શરૂઆત કરી હતી. અત્યાર સુધીમાં 2.10 કરોડ રૂપિયાની રકમ એકત્રિત પણ થઇ ચુકી હતી. પણ હવે વિવાનના મોતના સમાચાર સામે આવ્યાં છે. મહિનાઓથી મોત સામે ઝઝુમી રહેલાં વિવાને આખરે આખરી શ્વાસ લીધાં છે. વિવાનના મોત બાદ તેના પરિવારના સભ્યોના રૂદનથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. વિવાનના મૃતદેહને અમદાવાદની સોલા હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે.