Connect Gujarat
ગુજરાત

ગીરસોમનાથ: બિપરજોય વાવાઝોડાના કારણે ખેડૂતોને ફાયદો ! જુઓ શું કહી રહ્યા છે ધરતીપુત્રો

ગીર સોમનાથ જિલ્લામાં વાવાઝોડા બિપર જોયની નકારાત્મક અસર ઓછી જોવા મળે છે.સામે તેનો ફાયદો થયો હોવાનું ખેડૂતો કહી રહ્યા છે.

X

ગીર સોમનાથ જિલ્લામાં વાવાઝોડા બિપર જોયની નકારાત્મક અસર ઓછી જોવા મળે છે.સામે તેનો ફાયદો થયો હોવાનું ખેડૂતો કહી રહ્યા છે.વાવાઝોડાને કારણે જે વરસાદ આવ્યો તેને લઈને ખેડૂતો સમગ્ર જિલ્લામાં પુર જોશથી વાવણી કરી રહ્યા છે.

બિપર જોય વાવાઝોડાને કારણે સમગ્ર ગુજરાતમાં વધતે ઓછે અંશે નુકશાની થઈ છે.પરંતુ સારી બાબત એ રહી કે અગમચેતીના ભાગરૂપે જાનહાની ન થઈ.છાપરાઓ ઉડયા દરિયા કિનારાના મકાનો પડ્યા તેવું થયું પરંતુ ગીર સોમનાથ જિલ્લામાં કોઈ મોટી દુર્ઘટના ન ઘટી જેને અહીંના લોકો સોમનાથ દાદાની કૃપા ગણી રહ્યા છે.આપે ક્યારેય સાંભળ્યું છે કે વાવાઝોડાથી ફાયદો થાય...!! જી હા ગીરના ખેડૂતોને આ બિપર જોય વાવાઝોડાથી ફાયદો થયો છે.વાવાઝોડાની અસર હેઠળ ચારથી પાંચ ઈંચ વાવણી લાયક વરસાદ થયો. આથી ગીરના ખેડૂતો છેલ્લા બે દિવસથી વાવણી કાર્યમાં વ્યસ્ત બન્યા છે.ગીરના કુવાઓમાં પાણી તો હતુંજ આથી કેટલાક ખેડૂતોએ આગોતરી વાવણી કરી દીધી હતી.તેને તો ફાયદો વરસાદથી થયો જ છે.પણ જે ખેડૂતના ખેતરમાં કુવા જ નથી જેનો આધાર માત્ર વરસાદ ઉપર જ છે તેને પુષ્કળ ફાયદો કરાવી આપનાર વાવાઝોડું રહ્યું છે.સારી તેમજ નબળી જમીન પણ વાવાઝોડાના વરસાદને કારણે વાવણી લાયક બની ગઈ છે.હાલ ખેડૂતો બળદ દ્વારા વાવણી કરી રહ્યા છે.એકાદ બે દિવસમાં ટ્રેકટર વડે પણ વાવણી થઈ શકશે.હવે આગામી ચોમાસુ આગળ વધે અને એકાદ અઠવાડિયામાં વરસાદ થાય તો તે પાક માટે અમૃતવર્ષા સમાન ગણાશે તેવું ખેડૂતો જણાવી રહ્યા છે.આમ ગીર સોમનાથ જિલ્લા માટે વાવાઝોડું ફળદાયી બન્યું છે.

Next Story