Connect Gujarat
ગુજરાત

ગીરસોમનાથ: કાજુની ખેતી કર્યા બાદ 17 વર્ષે ખેડૂતને મળ્યુ પરિણામ, બંજર જમીન કાજુના પાકથી લહેરાઈ ઉઠી

ગીર સોમનાથના તાલાલા તાલુકાના પ્રગતિશીલ ખેડૂતે પ્રથમ વખત કાજુની ખેતી કરી છે.17 વર્ષ બાદ પરિણામ મળ્યુ છે

X

ગીર સોમનાથના તાલાલા તાલુકાના પ્રગતિશીલ ખેડૂતે પ્રથમ વખત કાજુની ખેતી કરી છે.17 વર્ષ બાદ પરિણામ મળ્યુ છે જો કે આજે પડતર જમીનમાં કાજુનો પાક લહેરાતો જોવા મળી રહયો છે

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના ધાવા ગીર ગામના પ્રગતિશીલ ખેડૂતે કાજુની ખેતી કરીને આ વિસ્તારમાં ખેતી ક્ષેત્રે એક નવો ચિલો ચીતર્યો છે.ગીર વિસ્તારના ગામોમાં ખાસ કરીને કેરી અને ત્યાર બાદ શેરડી તેમજ મગફળીનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં થાય છે પરંતુ ખરાબાની જમીનમાં ખેડૂતે કાજુનો પાક લેવા ખૂબ જ ધીરજ સાથે આગળ વધ્યા અને આજે 17 વર્ષની મહેનત બાદ કાજુના પાકમાં ઉતારો જોવા મળી રહ્યો છે.કાજુના પાકમાં મળેલી સફળતા બાદ ખેડૂત પણ ખુશ ખુશાલ જોવા મળી રહ્યા છે.17 વર્ષ પહેલાં ખેડૂત જશમંતભાઈ પોતાની બંજર જમીનમાં જંગલી બાગાયતી પાક તરીકે કાજુનું વાવેતર કર્યું હતું. પ્રથમ 800 જેટલા છોડ વાવવામાં આવ્યા હતા. જેમાંથી માત્ર 80 જેટલા છોડ પરિપક્વ થતાં આજે 17 વર્ષ બાદ કાજુનું ઉત્પાદન થઈ રહ્યું છે.જ્યારે જશમંતભાઈને કાજુની ખેતીને લઈને વિચાર આવ્યો ત્યારે તમામ કૃષિ નિષ્ણાતોએ પણ આ પ્રકારની બાગાયતી ખેતી આપણા વિસ્તારમાં શક્ય નથી, તેવો પ્રતિભાવ આપ્યો હતો. પરંતુ આજે 17 વર્ષ બાદ જશમંતભાઈને કાજુનો પાક મેળવવામાં સફળતા મળી છે.80 ઝાડમાંથી પ્રતિ ઝાડ દીઠ એક કિલોની આસપાસ સારી ગુણવત્તાના કહી શકાય તેવા કાજુનું ઉત્પાદન થઈ રહ્યું છે.

બીજી તરફ, કાજુની ખેતીને લઈ કૃષિ નિષ્ણાંતોનું કહેવું છે કે, આ વિસ્તારમાં કાજુ અને બાગાયતી ખેતીનું મૂલ્યવર્ધન થાય તે માટેના એકમો નહીં હોવાને કારણે આ પ્રકારની સંશોધનાત્મક ખેતીને વધુ વેગ મળતો નથી.

જે રીતે ગીરની કેસર સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. તેવી રીતે જો અન્ય બાગાયતી પાકોના મૂલ્યવર્ધન કેન્દ્ર ગીર વિસ્તારમાં શરૂ કરવામાં આવે તો કેરી સહિત બીજા અનેક બાગાયતી પાકો ગીરની જમીન પર લઈ શકાય તેમ છે પરંતુ તેના માટે મૂલ્યવર્ધન થાય તેવી વ્યવસ્થા ઉભી કરવી જોઈએ.

Next Story