ગીર સોમનાથ જિલ્લાની ઉના મામલતદાર કચેરીમાં વિધવા સહાયને લઈને કોઈ મોટી ગડબડ ચાલતી હોય તેવી હકીકતો સામે આવી છે.ઉનાના ધારાસભ્ય પુંજા વંશ દ્વારા પુરાવા સાથે મામલતદારને ફરિયાદ કરવામાં આવતા નવ જેટલા કિસ્સામાં ગરબડ સામે આવી હોવાનો સ્વીકાર મામલતદાર દ્વારા કરાયો છે.
ગીર સોમનાથની ઉના મામલતદાર કચેરીમાં વિધવા સહાયના નામે કોઈ મોટી ગડબડ ચાલતી હોય તે પ્રકારના નવ જેટલા કિસ્સા પ્રકાશમાં આવ્યા છે.મહિલાઓ દ્વારા ધારાસભ્ય પુંજા વંશને ફરિયાદ કરાતા સમગ્ર મામલામાં પુરાવાઓ એકઠા કરીને ધારાસભ્ય પુંજા વંશે ઉના મામલતદારને સમગ્ર મામલાની લેખિતમાં પુરાવા સાથે જાણ કરી હતી ત્યારબાદ મામલતદારે પણ નવ જેટલી મહિલાઓને વિધવા સહાય તેના ખાતામાં જમા થવાના બદલે અન્ય બેંકના ખાતામાં જમા થઈ હોવાનો સ્વીકાર કર્યો છે.સમગ્ર મામલામાં મામલતદારે પોલીસ ફરિયાદ કરતા પોલીસે બે આરોપીઓને ઝડપી લીધા છે.પકડાયેલા આરોપીઓમા વીનોદ સોલંકી અને તૂષાર નામના ઇસમોનો સમાવેશ થાય છે। ધારાસભ્ય પુંજા વંશ દ્વારા જે વિગતો જાહેર કરાઈ છે તે મુજબ તાલુકામાં 7500 જેટલી વિધવા મહિલાઓ સરકારી સહાય મેળવી રહી છે જે પૈકીની નવ જેટલી મહિલાઓની સહાયમાં ગરબડ સામે આવી છે.આ મહિલાના ખાતામાં સરકારી સહાયની રકમ જમા થવાને બદલે ઉના મામલતદાર કચેરીમાં કામ કરતાં ડ્રાઇવર સહિત અન્ય ચાર લોકોના ખાતામાં આ નવ મહિલાને મળતી વિધવા સહાયની રકમ જમા થઈ હોવાની વિગતો સામે આવી છે.