/connect-gujarat/media/post_banners/6bb8b69e7b18b292c69d0c32c626e5bed51f75b8c9b3d5bdf41ef80306431231.jpg)
ગીર સોમનાથની બે સિંચાઈ યોજનામાંથી તાલાલા અને વેરાવળ તાલુકાના 39 ગામોને ઉનાળું પિયત માટે પાણી આપવાનો સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહયો છે
તાજેતરમાં ગીર સોમનાથ જિલ્લા સિંચાઇ વિભાગના કાર્યપાલક ઇજનેર એ.પી. કલસરીયાની ઉપસ્થિતિમાં સિંચાઇ સલાહકાર સમિતિની અગત્યની બેઠક મળી હતી. જેમાં આ વર્ષે પણ હિરણ - 01 અને હિરણ - 02 ડેમમાં પુરતાં પ્રમાણમાં પાણીનો જથ્થો ઉપલબ્ધ હોવાથી ખેડૂતોને ઉનાળું પિયત માટે ડેમમાંથી પાણી આપવા નિર્ણય થયો છે.આ અંગે સિંચાઈ વિભાગ ના અધિકારી એ. પી. કલસરિયા એ માહિતી આપતા જણાવ્યુ હતું કે હિરણ - 01 કમલેશ્વર ડેમમાંથી ખેડૂતોને 06 વખત જ્યારે હિરણ - 02 ઉમરેઠી ડેમમાંથી 08 વખત પાણી આપવાનો નિર્ણય કરાયો છે.આ બન્ને સિંચાઈ યોજનામાંથી પિયત માટેનું પાણી છોડવાથી તાલાલા તાલુકાના 20 જ્યારે વેરાવળ તાલુકાના 19 ગામોના ખેડૂતોને સીધો લાભ મળશે.
ગીર પંથકમાં આ વર્ષે મેઘરાજા મન મૂકીને વરસ્યા છે જેને કારણે બન્ને સિંચાઈ યોજના હાલના તબક્કે પણ પૂર્ણ સપાટીએ ભરેલ છે.સાસણથી તાલાલા ગીર સુધીના હિરણ નદીના કાંઠા ઉપરનાં 20થી 22 ગામોના પાણીના તળ જીવંત રહેશે. ઉપરાંત નવ ગામના ખેડૂતોને કેરીના આંબા, શેરડી, મગફળી, તલ, ઘાસચારો તથા કઠોળના વાવેતર થયેલ પાકોને અમુલ્ય લાભ થશે.