Connect Gujarat
ગુજરાત

ગીર સોમનાથ: તાલાલા ગીર પંથકની ખુશ્બુદાર કેસર કેરીની યુ.કે.ની બજારમાં ખુશ્બુ પ્રસરી

ગીર પંથકની કેસર કેરી સ્થાનીક બજાર ઉપરાંત હવે દેશના સીમાડા ઓળંગી યુ.કે. (ઇંગ્લેન્ડ)ની બજારમાં ખુશ્બુ પ્રસરાવી રહી છે.

X

તાલાલા ગીર પંથકનું અમૃત ફળ કેસર કેરીની સુવાસ હવે ઈંગ્લેન્ડમાં પ્રશરસે. કેસર કેરીના 1100 જેટલા બોકસ તાલાલા ગીરથી ઈંગ્લેન્ડ મોકલવામાં આવ્યા હતા તાલાલા ગીર પંથકનું અમૃત ફળ ખુશ્બુદાર કેસર કેરી દેશ-વિદેશમાં પ્રખ્યાત છે. ગીર પંથકની કેસર કેરી સ્થાનીક બજાર ઉપરાંત હવે દેશના સીમાડા ઓળંગી યુ.કે. (ઇંગ્લેન્ડ)ની બજારમાં ખુશ્બુ પ્રસરાવી રહી છે. જો કે ચાલુ વર્ષે ગીર પંથકમાં કેસર કેરીનો પાક 30 ટકા જેવો હોવાથી ઓછા પ્રમાણમાં નિકાસ થશે.

આગામી વર્ષોમાં કેસર કેરી વિદેશીઓના મોઢે વળગી જવાથી તાલાલા ગીર પંથક કેરી માટે વિદેશો માટે પણ હબ બનશે તેવી ધારણા સેવાઇ રહી છે. તાલાલા ગીર માર્કેટિંગ યાર્ડ સંચાલિત મેંગો પેક હાઉસના સંચાલકોના જણાવ્યા પ્રમાણે યાર્ડના અધતન મેંગો પેક હાઉસમાં ગ્રેડિંગ, વોશિંગ, હોટ વોટર અને પ્રિ-કુલીંગ, રાયપનીંગ કરી ત્રણ કિલોના આકર્ષક બોકસમાં તૈયાર કરવામાં આવી રહેલ કેસર કેરીના 1100 જેટલા બોકસ તાલાલા ગીરથી ખાસ વાહન મારફતે અમદાવાદ પહોંચ્યા હતા.

ત્યાંથી એરલાઇન્સ મારફત યુ.કે. (ઇંગ્લેન્ડ) મોકલવા રવાના કરવામાં આવેલ છે. આ દરમ્યાન કેસર કેરી તેના ઓરીજનલ સ્વાદમાં ખાવાલાયક પણ તૈયાર થઈ જશે. તાલાલા માર્કેટિંગ યાર્ડ સંચાલિત મેંગો પેક હાઉસમાંથી ગત વર્ષે યુ.કે. ઉપરાંત સિંગાપુર, ઈટલી, ગલ્ફ કન્ટ્રીમાં 142 ટન કેસર કેરી મોકલવામાં આવી હતી. જેની સામે આ વર્ષે કેસર કેરીની સીઝન મોડી હોવાથી તેમજ કેરીનો પાક પણ આંબા ઉપર માત્ર 30 ટકા આવ્યો હોવાના કારણે આ વર્ષે મેંગો પેક હાઉસમાંથી 120 ટન કેસર કેરીની નિકાસ થવાની ધારણા છે. જે પૈકી મોટાભાગની કેસર કેરી યુ.કે. રવાના થશે તેમ મેંગો પેક હાઉસના સુત્રો જણાવી રહ્યા છે. તાલાલા પંથકનું ગૌરવ વિશ્વ પ્રસિદ્ધ કેસર કેરી યુ.કે.ની બજારમાં સુગંધ પ્રસરાવી રહી હોવાનાં સમાચારથી ગીર પંથકના કેસર કેરીના ઉત્પાદક ખેડુતોમાં ખુશીની લહેર પ્રસરી ગઈ છે.

Next Story