ગુજરાત ડ્રગ્સનું નવું એન્ટ્રી પોઇન્ટ? પાંચ વર્ષમાં 91 હજાર કિલો ડ્રગ્સ ઝડપાયું

ગુજરાતમાં દારૂબંધીની અસરકારક અમલવારીનો સરકાર વારંવાર દાવો કરે છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં ડ્રગ્સના મોટા જથ્થા ઝડપાતા એ દાવા પર ગંભીર સવાલો ઊભા થયા છે.

New Update
DRUGS

ગુજરાતમાં દારૂબંધીની અસરકારક અમલવારીનો સરકાર વારંવાર દાવો કરે છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં ડ્રગ્સના મોટા જથ્થા ઝડપાતા એ દાવા પર ગંભીર સવાલો ઊભા થયા છે.

કેન્દ્રિય ગૃહમંત્રાલયે જ ખુલાસો કર્યો છે કે છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાંથી કુલ 91,453 કિલો ડ્રગ્સ ઝડપાયું છે, જેને જોતા એ પ્રશ્ન વધુ ગાઢ બન્યો છે કે જ્યારે આટલો મોટો જથ્થો પકડાય છે, ત્યારે અણપકડાયેલો જથ્થો કેટલો હશે અને કેટલો અંદરના બજારમાં વેચાઈ રહ્યો હશે. દારૂબંધીના રાજ્ય તરીકે ઓળખાતા ગુજરાતમાં આજે ડ્રગ્સનું નવું એન્ટ્રી પોઇન્ટ બનતું જોવા મળે છે.

ગાંધીના સિદ્ધાંતો ધરાવતા ગુજરાતમાં દારૂબંધી હવે માત્ર નામપુરતી રહી ગઈ છે, કારણ કે જમીન પરનું સત્ય એ છે કે રાજ્યમાં ડ્રગ્સનું દૂષણ દિન પ્રતિદિન વધતું જાય છે. દારૂ કરતાં ઘણી ઝડપથી ડ્રગ્સનો પ્રસાર થયો છે, અને હજારો યુવાઓ તેની લતમાં ફસાઈ રહ્યાં છે. એમડી તથા અન્ય સિંથેટિક ડ્રગ્સની વધતી માંગને કારણે ડ્રગ્સ માફિયા વધુ સક્રિય બન્યા છે. રાજકીય આશ્રય અને તંત્રની નબળાઈનો ફાયદો ઉઠાવી અલગ શહેરો અને ગામડાંમાં ડ્રગ્સનું વેચાણ ખુલ્લેઆમ ચાલુ છે. દર વર્ષે સરેરાશ 15થી 20 હજાર કિલો ડ્રગ્સ પકડાય છે, જે માત્ર બાતમીના આધારે હાથ લાગેલો જથ્થો છે, જ્યારે ખાખી અને ખાદીના આર્શિવાદથી પ્રવેશતા જથ્થાનો અંદાજ લાગવો પણ મુશ્કેલ છે.

લોકસભામાં રજૂ થયેલા આંકડા દર્શાવે છે કે 2018 થી 2022 દરમિયાન ગુજરાતમાં 91,435 કિલો ડ્રગ્સ ઝડપાયું, પરંતુ કરોડો રૂપિયાના આ જથ્થાના મૂળ સુધી તંત્ર આજે પણ પહોંચી શક્યું નથી. આ ડ્રગ્સ ક્યાંથી આવ્યું, કોના માધ્યમે મોકલાયું અને તેનો અંતિમ હેતુ શું હતો—આ પ્રશ્નોના સચોટ જવાબ પોલીસને મળી શક્યા નથી. આખા રાજ્યમાં સુવ્યવસ્થિત નેટવર્ક ગોઠવાઈ ગયેલું છે, પરંતુ મુખ્ય માફિયા અને સપ્લાય ચેઈન અંગે પોલીસે કોઈ મહત્વનો હાથિયો મેળવી શક્યો નહીં, જે તંત્રની ક્ષમતા અને ઈચ્છા બંને પર સવાલ ઊભા કરે છે.

કડક કાર્યવાહી હોવા છતાં મોટાપાયે ડ્રગ્સ ઝડપાયા પરંતુ મુખ્ય માફિયાઓ, મોટા પેડલરો અથવા નેટવર્કના સંચાલકો હાથ લાગ્યા નથી. એવું લાગે છે કે ડ્રગ્સનો જથ્થો પકડાયો એટલે કામગીરી પૂર્ણ—પણ વેપારના મૂળિયાં સુધી પહોંચવામાં પોલીસનો પનો હજુ પણ ટૂંકો છે. મોંઘવારી અને બેરોજગારીના વધતા દબાણને કારણે શિક્ષિત યુવાઓ અને મહિલાઓ પણ પેડલિંગમાં જોડાય રહ્યા છે. શહેરોથી લઈને ગામડાં સુધી હપ્તા પર ચાલતા ડીલરોના કારણે ખૂણેખાંચરે ડ્રગ્સ સરળતાથી મળી રહે છે, જેના પરિણામે હજારો યુવાઓ ડ્રગ્સના બંધાણી બની ગયા છે.

Latest Stories