Connect Gujarat
ગુજરાત

“તમે સરહદ પર તૈનાત છો, એટલે હું શાંતિથી ઊંઘી શકું છું” : કેન્દ્રીય ગૃહમંત્રીનું કચ્છમાં BSFના જવાનોને સંબોધન

કચ્છના કોટેશ્વરમાં BSFના જવાનોને સંબોધતા કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યુ હતું કે, હું દેશની બધી સીમા પર ગયો છું. તમારા સાથીઓને મળ્યો છું.

X

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 2 દિવસ ગુજરાતના પ્રવાસે છે, ત્યારે આજે કચ્છ જિલ્લામાં કેન્દ્રીય ગૃહમંત્રીની ઉપસ્થિતિમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. અમિત શાહના હસ્તે કોટેશ્વરમાં 60 એકરમાં નિર્માણ પામનારા BSFના મૂરિંગ પ્લેસનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું, આ ઉપરાંત વિવિધ પ્રકલ્પોનું ઈ-લોકાર્પણ કરાયું હતું. અંદાજે 250 કરોડના ખર્ચ તૈયાર થનારા મૂરિંગ પ્લેસમાં BSFની વોટરવિંગ માટે વિવિધ સુવિધાઓ ઉભી કરવામાં આવશે. આ ઉપરાંત 101 કરોડના ખર્ચે બનેલી 28 કિમી લાંબા સ્ટ્રેટેજિક રોડનું અને રૂ. 3 કરોડના ખર્ચે નિર્માણ કરાયેલા ઓપી ટાવર 1164નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

કચ્છના કોટેશ્વરમાં BSFના જવાનોને સંબોધતા કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યુ હતું કે, હું દેશની બધી સીમા પર ગયો છું. તમારા સાથીઓને મળ્યો છું. દેશના ગૃહમંત્રી તરીકે દેશની સુરક્ષાનો સવાલ છે. તમે સરહદ પર તૈનાત છો, એટલે હું શાંતિથી ઊંઘી શકું છું. વધુમાં તેઓએ જણાવ્યુ હતું કે, તમારા પરિવારની ચિંતા કરવામાં પીએમ મોદી કોઈ કસર નથી છોડી રહ્યા. હું વિશ્વાસ અપાવું છું કે, તમારી સુવિધા માટે જે પણ બજેટની વ્યવસ્થા કરવી પડશે તે અમે જરુર કરીશું. જોકે, કોટેશ્વરનો કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ ગૃહમંત્રી હરામીનાળા પાસે ભારત-પાકિસ્તાન બોર્ડરની મુલાકાત લઈ સુરક્ષાની નિરીક્ષણ પણ કરનાર છે.

Next Story