Connect Gujarat
ગુજરાત

નવસારી : ભાઈની હત્યાનો બદલો લેવા ભાઈએ રૂ. 5 કરોડમાં સોપારી આપી : પોલીસ

આતલીયા ગામના મહિલા સરપંચના પુત્ર નિમેશ પટેલની આંતરિક અદાવતમાં તીસરી ગલીમાં બોલાવી ક્રૂર રીતે હત્યા કરવામાં આવી હતી

X

2 વર્ષ પૂર્વે નવસારી જિલ્લાના ગણદેવી વિસ્તારમાં હત્યામાં સંડોવાયેલા એક યુવાનની પણ હત્યા થતા ચકચાર મચી જવા પામી છે. ફિલ્મી પ્લોટને પણ ટક્કર મારે તેવી રીતે ઘડેલા પ્લાનનો પોલીસે માત્ર 8 મહિનામાં ઉકેલ લાવી દીધો છે. ભાઈની હત્યાનો બદલો લેવા રૂ. 5 કરોડમાં સોપારી આપી કાંટો કાઢી પણ એક ભૂલે આ મર્ડર મિસ્ટ્રીનો પર્દાફાશ કર્યો છે.

વાત છે વર્ષ 2021ની કે, જેમાં નવસારી જિલ્લાના બીલીમોરા પાસેના આતલીયા ગામના મહિલા સરપંચના પુત્ર નિમેશ પટેલની આંતરિક અદાવતમાં તીસરી ગલીમાં બોલાવી ક્રૂર રીતે હત્યા કરવામાં આવી હતી. હત્યામાં બીલીમોરા પોલીસે કુલ 13 લોકો સામે ગુનો નોંધ્યો હતો. જે પૈકી એક હતો ભૌતિક પટેલ ઉર્ફે ભાવું. જેનો હત્યામાં મુખ્ય રોલ હોવાનું ચર્ચાઈ રહ્યું હતું. આરોપીઓની કસ્ટડી પૂર્ણ થતા જેલ મોકલવામાં આવ્યા હતા. થોડા સમય જેલવાસ ભોગવ્યા બાદ આરોપીઓ જામીન પર મુક્ત થયા હતા. જેમાં ભૌતિક પટેલ પણ જામીન પર મુક્ત થયો હતો.

તેવામાં મૃતક નિમેષ પટેલના ભાઈ કલ્પેશ પટેલના મગજમાં બદલાની આગ સળગી રહી હતી. પોતાના ભાઈની હત્યાનો બદલો લેવા માટે તેણે પ્લાન ઘડ્યો, અને 5 કરોડ રૂપિયાની સોપારી આપી ભૌતિકને ઠેકાણે પાડવાની તારીખ નક્કી કરી હતી. ભૌતિકને આશાનીથી મારી શકાય તે માટે તેના જ મિત્રોનો સહારો લેવામાં આવ્યો, અને તેમની મદદ લઈ તા. 6 એપ્રિલ 2023ના રોજ તેને ગણદેવી ચાર રસ્તા પાસે આવેલા દેવકૃપા એપાર્ટમેન્ટમાં પાર્ટી કરવાના બહાને બોલાવ્યો હતો. જેમાં આરોપી હર્ષ ઉર્ફે સિકંદર ટંડેલ દ્વારા ભૌતિક ઉપર ચપ્પુ અને તલવાર વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો.

હવે મૃતદેહનો નિકાલ કરવા માટે 6 લોકોએ મળી તેને અમલસાડ રેલ્વે પટ્ટી પાસેના નિર્જન વિસ્તારમાં દફનાવવાનો નિર્ણય કર્યો, અને રાત્રિના અંધકારમાં ભાડે કરેલા વાહનમાં મૃતદેહ સાથે સૌકોઈ નીકળી પડ્યા. ફિલ્મી પ્લોટને પણ ટક્કર આપતી હત્યાની સમગ્ર હકીકત નવસારી જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલે જણાવી હતી. તો બીજી તરફ, મૃતક ભૌતિકની માતાએ એપ્રિલ 2023માં પોતાના પુત્રનું ગુમ થવાને લઈને પોલીસમાં અરજીઓ કરી હતી. જેના આધારે પોલીસે હત્યાના ગુનાનો આરોપી ગુમ થવાની ઘટનાને ગંભીરતાથી લઈ હ્યુમન ઈન્ટેલિજન્સ તેમજ બાતમીદારોનું નેટવર્ક એક્ટિવ કર્યું હતું.

જેમાં કલ્પેશ પટેલ સહિત કુલ 7 લોકો રડારમાં આવ્યા હતા. જેમાં પોલીસે હર્ષ ઉર્ફે સિકંદર ટંડેલને ડીટેન કરી પોતાના સ્ટાઇલમાં પૂછપરછ કરતા ભાંગી પડેલા હર્ષે સમગ્ર હત્યાની કહાની વર્ણવી હતી. જેથી બદલો લેવા માટે હત્યા થઈ હોવાનું સ્પષ્ટ થતા પોલીસે અમલસાડના કુલ 6 આરોપીની ધરપકડ કરી છે, જ્યારે 2 લોકોને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story