Connect Gujarat
ગુજરાત

ગીર સોમનાથ : કાર્તિક પૂર્ણિમા મેળામાં રાજકોટ સેન્ટ્રલ જેલના બંદીવાનો દ્વારા બનતા ભજીયા લોકોની દાઢે વળગ્યાં...

કાર્તિક પૂર્ણિમા ના મેળામાં ગરમા-ગરમ ચટાકેદાર મસાલાસભર ભજીયા મેળામાં આવતા મુલાકાતીઓ માટે અનેરૂ આકર્ષણ બન્યા છે.

X

રાજકોટ મધ્યસ્થ જેલના બંદીવાનોની અનોખી કામગીરી

સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ઊભો કર્યો ભજીયાનો સ્ટોલ

ભજીયા ખરીદવા માટે લોકોનું વેઈટીંગ, કતારો પણ લાગી

પ્રથમ જયોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં કાર્તિક પૂર્ણિમાના મેળામાં રાજકોટ મધ્યસ્થ જેલના પાકા કામના બંદીવાન કેદીઓ દ્વારા બનતા ગરમા-ગરમ ચટાકેદાર મસાલાસભર ભજીયા મેળામાં આવતા મુલાકાતીઓ માટે અનેરૂ આકર્ષણ બન્યા છે.

ગુજરાત રાજ્ય જેલ અધિક પોલીસ મહાનિર્દેશકના માર્ગદર્શન અનુસાર રાજકોટ જેલ સુપ્રીટેન્ડેન્ટ એન.એસ.લુહાર તેમજ જેલ ઉદ્યોગ ફેક્ટરી મેનેજર સી.એમ.પરમાર, જેલર અમીત પાડલીયાના માર્ગદર્શન હેઠળ સોમનાથના મેળામાં 14 બંદીજનો અને 9 કર્મચારીઓએ ભજીયાનો સ્ટોલ કાર્યરત કર્યો છે. આ સ્ટોલમાં બંદીજનોને કોઈપણ જાતની હાથકડી કે, માથે હથિયારબંધ પોલીસ પહેરા વગર સામાન્ય સ્ટોલવાળાઓની જેમ જ ગરમા-ગરમ ભજીયા બનાવી રહ્યા છે.

આ અંગે રાજકોટ ફેક્ટરી ઇન્સ્પેક્ટરે જણાવ્યુ હતું કે, જે કોઈ બંદીવાને કોઈપણ જાતનો જેલ કાનૂનનો ભંગ ન કર્યો હોય, 2 ફર્લો રજા ભોગવી ફરી પાછા જેલમાં હાજર થઈ ગયા હોય અને 50 ટકાથી વધુ સજા ભોગવી હોય અને ભરોસો સંપાદન કર્યો હોય તે લોકોને રસરૂચી, સ્વનિર્ભરતા અને જેલમુક્તિ બાદ સારૂ જીવન જીવી સ્વરોજગાર મેળવી શકે તેવા હેતુથી નિયમ મુજબ પસંદગી કરવામાં આવે છે.

જોકે, ભજીયાના સ્ટોલમાં શુદ્ધ તેલ, બેસન, તાજા મેથી, મરચા અને ધાણા ગરમ મસાલા સાથે ગુણવત્તાયુક્ત ભજીયા લોકોને પીરસવામાં આવે છે. આ વર્ષે ભજીયા બનાવવાનું મશીન પણ લાવવામાં આવ્યું છે. જેમા બેસન કણક બાંધીને મુકી દેવાય તો એક-એક ક્ષણે એક 15 ભજીયા બની જાય છે. રાજકોટ મધ્યસ્થ જેલના જેલરના જણાવ્યા અનુસાર, રાજકોટ જેલમાં ઉદ્યોગ વિભાગમાં ખાદી કાપડ બનાવવું, દરજીકામ, બેકરી ઉદ્યોગ શીખવી જેલમાંથી સજા પૂર્ણ થયે મુક્ત થતા બંદીવાનો સમાજમા સન્માનપૂર્વક જીવન જીવે તે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

Next Story