રાજ્યના ચકચારી ઈશરત જહાં એન્કાઉન્ટર કેસની તપાસ કરનાર ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી સતિષ વર્મા ને ભારત સરકારે બરતરફી નો આદેશ આપી દીધો છે. સતિષ વર્મા 30 સપ્ટેમ્બર ના રોજ નિવૃત્ત થવાના હતા તે પહેલા જ તેમને બરતરફ કરવામાં આવ્યા છે. સરકાર સામે જંગ માંડનાર આ બીજા અધિકારી છે જેમને બરતરફ કરવામાં આવ્યા છે. અગાઉ સંજીવ ભટ્ટ બરતરફ થયા હતા અને હાલમાં તેઓ જેલમાં છે. જોકે સતીષ વર્માની બરતરફી આદેશનો અમલ પર દિલ્હી હાઈકોર્ટે 19મી સપ્ટેમ્બર સુધી રોક લગાવ્યો છે.વર્ષ 2004માં અમદાવાદ કોતરપુર વોટર વર્કની પાસે ઈશરત સહિત, જાવેદ, જીશાન અને પ્રણેશનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું.
જે તે સમયે પોલીસનો દાવો હતો કે આ આતંકવાદી હતા. આ સમગ્ર મામલો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. ઈશરતની માતા સમિમા કૌસર ની દાદ હતી કે, તેની દીકરી ઈશરત સહિતના ચારેયનું પોલીસે બનાવટી એન્કાઉન્ટર કર્યું છે. ગુજરાત હાઈકોર્ટે આ મામલે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ નું ગઠન કરવાનો આદેશ કર્યો હતો. બાદમાં આ તપાસ સીબીઆઈને સોંપાઈ હતી. 2014માં નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી થયા પછી સતિષ વર્મા પ્રતિનિયુક્તિ પર ગુજરાત થી ખસેડી શિલોંગ મુકી દેવામાં આવ્યા હતા. ત્યાર પછી ગુજરાત સરકારે તેમની સામે વિવિધ પ્રકારની ખાતાકીય તપાસ શરૂ કરી હતી અને તે સંદર્ભમાં તેમને નોટિસ પણ આપવામાં આવી હતી. સતિષ વર્માએ પોતાની સામે થઈ રહેલી ખાતાકિય તપાસને દિલ્હી હાઈકોર્ટમાં પડકારી હતી. દિલ્હી હાઈકોર્ટે નિર્દેશ કર્યો હતો કે, જ્યારે મામલો ન્યાયાધીન છે ત્યારે સતિષ વર્મા સામે સરકાર કોઈ અંતિમ પગલું ભરે નહીં. આમ તેમને એક પ્રકારનું કાયદાકીય રક્ષણ મળ્યું હતું. સતિષ વર્મા 30 સપ્ટેમ્બર 2022એ નિવૃત્ત થવાના હતા. તે પહેલા જ ભારત સરકારે 30 ઓગસ્ટે સતીષ વર્માની સેવાઓ સમાપ્ત કરવાનો આદેશ કરી દીધો હતો. ભારત સરકારે દિલ્હી હાઈકોર્ટના ધ્યાને મુક્યું હતું કે તેમની સામે ખાતાકીય તપાસ પુર્ણ થઈ છે. તેમાં તેઓ કસુરવાર સાબિત થતા તેમને બરતરફ કરવામાં આવ્યા છે. 7મી ઓગસ્ટના રોજ સતિષ વર્માને આ આદેશ બજવણી થઈ ચુકી છે