ગુજરાત રાજ્યમાં ફરી એકવાર IT વિભાગના દરોડા
કરોડો રૂપિયાના બિનહિસાબી વ્યવહારો હોવાની શંકા
મોડાસા-મેઘરજ સહિતના વિવિધ વિસ્તારમાં દરોડા
45થી વધુ ધનાઢ્ય વેપારી, તબીબો, બિલ્ડરો રડારમાં
દરોડાથી જિલ્લાના વેપારી વર્તુળમાં હાહાકાર મચ્યો
અરવલ્લી જિલ્લામાં 70થી વધુ કારોના કાફલા સાથે IT વિભાગે 45થી વધુ વેપારીઓ, તબીબો અને બિલ્ડર્સના નિવાસ અને વ્યવસાય સ્થળોએ એકસાથે દરોડા પાડ્યા હતા.
રાજ્યમાં ફરી એકવાર IT વિભાગના દરોડા પડ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ અરવલ્લી જિલ્લામાં આવકવેરા વિભાગ (IT) દ્વારા મંગળવારે વહેલી સવારે મોટાપાયે દરોડાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.
મોડાસા અને મેઘરજ સહિતના વિવિધ વિસ્તારોમાં 70થી વધુ કારોના કાફલા સાથે IT વિભાગે 45થી વધુ ધનાઢ્ય વેપારીઓ, તબીબો અને બિલ્ડર્સના નિવાસ અને વ્યવસાય સ્થળોએ એકસાથે દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી પાછળનું મુખ્ય કારણ કરોડો રૂપિયાના બિનહિસાબી વ્યવહારો હોવાની શંકા છે.
IT વિભાગે લાંબા સમયથી આ લોકોની આવક અને ખર્ચ પર નજર રાખી હતી, અને કેટલીક ગુપ્ત માહિતીઓના આધારે આ મોટાપાયે દરોડાની યોજના બનાવી હતી. ધનાઢ્ય વેપારીઓ, પ્રખ્યાત ડૉક્ટર્સ અને પ્રોપર્ટી ડેવલપર્સને 70થી વધુ વાહનો સાથે અધિકારીઓએ કાર્યવાહી હાથ ધરી હતી.
આ તરફ, હવે કાર્યવાહી દરમિયાન લરોડો રૂપિયાના બિનહિસાબી વ્યવહારો અને કરચોરી સામે આવે તેવી શક્યતા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, IT વિભાગે હજુ સુધી કોઈ રોકડ કે, અન્ય કોઈ ચીજવસ્તુઓ જપ્ત કરાય છે કે, કેમ તે અંગે સત્તાવાર નિવેદન આપ્યું નથી, પરંતુ સ્થાનિક સ્તરે ભારે ચકચાર મચી છે. અચાનક થયેલી કાર્યવાહીથી અરવલ્લી જિલ્લાનું વેપારી વર્તુળમાં હાહાકાર મચી ગયો છે.