/connect-gujarat/media/post_banners/3f4b68420472aff718a182bbbbc7bca82b62cffbdaff1e8a0c43e9d6a5803252.jpg)
જુનાગઢમાં છેલ્લા 3 દિવસમાં 3 અકસ્માતના બનાવ નોંધાયા હતા. આ અકસ્માતમાં શહેરના મધુરમ વિસ્તારના 2 લોકોએ જીવ ગુમાવ્યા, જ્યારે અન્ય એક યુવકનું ખામધોળ રોડ પર મોત નીપજ્યું હતું.
સંત, શુરવીરો અને સાવજની ભૂમિ જુનાગઢ હાલ જાણે કે, અકસ્માત ઝોન બની હોય તેવો અહી ઘાટ ઘડાયો છે. જુનાગઢના ખામધોળ રોડ પર એક યુવક પૂરઝડપે બાઈક ચલાવતી વેળાએ ડિવાઇડર સાથે ભટકાતાં તેનું મોત નીપજ્યું હતું. આ ઉપરાંત શહેરના મધુરમ વિસ્તારમાં રહેતા હંસાબેન સોલંકી નામના 51 વર્ષીય મહિલાનું બાઈકની અડફેટે મોત થવાનો બનાવ પણ બનવા પામ્યો હતો. મહત્વનું છે કે, 2 દિવસ પૂર્વે પંકજ જોષી નામના યુવાનનું પણ મધુરમ વિસ્તારમાં બાઈક અથડાતા મોત થયું હતું. હાલ જુનાગઢ શહેરમાં અકસ્માતમાં મોતને ભેટનાર ત્રણેય મૃતકોના પરિજનો પર દુઃખનું આભ ફાટી ગયું છે.
જોકે, જુનાગઢ શહેરના મધુરમ વિસ્તારમાં જ અકસ્માતના 2 બનાવ અને ખામધોળ રોડ પર અન્ય એક અકસ્માતના બનાવને લઈને મનપાના ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાએ મૃતકના પરિજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. ઉપરાંત ખામધોળ રોડ પર જે રીતે મૃતક યુવાન પૂરઝડપે બાઈક ચલાવતા દુર્ઘટના સર્જાઈ છે, તે અંગે ચિંતા સાથે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, પૂર ઝડપે બાઈક ચલાવતા પહેલા લોકોએ પોતાના માતા-પિતા અને પરિવારનો વિચાર કરવો જોઈએ. વધુમાં જણાવ્યું હતું કે, જ્યા તંત્રની ખામી હશે ત્યાં તેને દૂર કરવામાં આવશે, અને જ્યાં જરૂર જણાશે ત્યાં રોડ પર ડિવાઈડર અને સ્પીડ બ્રેકર પર મુકવામાં આવશે.