Connect Gujarat
ગુજરાત

જુનાગઢ : 3 વર્ષીય બાળકી પર રખડતાં શ્વાનનો હુમલો, મનપાની કામગીરી પર સવાલ..!

જુનાગઢના ખામધ્રોળ રોડ પર રહેતા ઠેબા પરિવારની 3 વર્ષની દીકરી પર શ્વાને હુમલો કર્યો

X

ખામધ્રોળ રોડ પર રખડતાં શ્વાને કર્યો બાળકી પર હુમલો

ઇજાઓ થતાં બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાય

બાળકીના પરિવારજનોના મનપાની કામગીરી સામે સવાલ

જુનાગઢ શહેરના ખામધ્રોળ રોડ પર રખડતાં શ્વાને હુમલો કરતાં 3 વર્ષીય બાળકીને ગંભીર ઇજાના પગલે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, ત્યારે ઇજાગ્રસ્ત બાળકીના પરિવારજનોએ મનપાની કામગીરી સામે સવાલો કર્યા હતા. જુનાગઢમાં દિવસેને દિવસે રખડતા ઢોર અને શ્વાનોના આતંક વધતા જાય છે.

એક તરફ સરકાર દ્વારા રખડતા ઢોર અને શ્વાનને પકડવા માટે સૂચના આપવામાં આવે છે. તો બીજી તરફ, જુનાગઢ મહાનગરપાલિકા રખડતા ઢોર અને શ્વાનને પકડવા નિષ્ફળ નીવડી છે, ત્યારે ખામધ્રોળ રોડ પર રહેતા ઠેબા પરિવારની 3 વર્ષની દીકરી પર શ્વાને હુમલો કર્યો હતો.

આ હુમલામાં ઇજાગ્રસ્ત થયેલી બાળકીને જુનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. ઈજાગ્રસ્ત બાળકીની માતા તસ્લીમ ઠેબાએ જણાવ્યું હતું કે, અમે સિંધી પરા ખામધ્રોળ રોડ પર રહીએ છીએ, જ્યાં મારી દીકરી મારા દીકરાને બોલાવવા જતી હતી, ત્યારે શ્વાને તેના પર હુમલો કરતાં તેને ઈજા પહોંચી હતી. મહાનગરપાલિકા દ્વારા આ બાબતે કોઈપણ પ્રકારનું ધ્યાન આપવામાં આવતું નથી.

અમારા બાળકો રોજ નિશાળે જતા હોય છે, ત્યારે અમને ખૂબ જ ડર લાગે છે. આ વિસ્તારમાં શ્વાન કરડવાના એક મહિનામાં 10થી વધુ કેસ બને છે. છતાં પણ મહાનગરપાલિકા ધ્યાન આપતી નથી. જોકે, દિવસેને દિવસે આ વિસ્તારમાં રખડતા શ્વાનનો ત્રાસ ખૂબ જ વધી રહ્યો છે, ત્યારે મહાનગરપાલિકા દ્વારા વહેલી તકે રખડતાં શ્વાનોને પકડવામાં આવે તેવી માંગ ઉઠી છે.

Next Story