Connect Gujarat
ગુજરાત

જુનાગઢ : સૌપ્રથમવાર પેરાશુટની મદદથી લીલી પરીક્રમાના રૂટનું પોલીસ વિભાગ દ્વારા મોનિટરિંગ...

જુનાગઢના ગીરનાર તળેટી વિસ્તારમાં ગીરનારની લીલી પરીક્રમામાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે પોલીસ વિભાગ સજ્જ બન્યું છે.

X

જુનાગઢના ગીરનાર તળેટી વિસ્તારમાં ગીરનારની લીલી પરીક્રમામાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે પોલીસ વિભાગ સજ્જ બન્યું છે. પોલીસ તંત્ર દ્વારા સૌપ્રથમવાર પેરાશુટની મદદ લઈ પરિક્રમાના રૂટ ઉપર બાજ નજર રાખવામાં આવી રહી છે.

જુનાગઢના ભવનાથ ખાતે ગીરનાર તળેટી વિસ્તારમાંથી શરૂ થતી ગીરનારની લીલી પરીક્રમામાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે પોલીસ વિભાગ સજ્જ બન્યું છે. નિર્ધારિત સમય કરતાં પહેલા શરૂ થયેલી પરિક્રમાના પહેલા દિવસે જ નાની મોટી ચોરી સહિતના બનાવો બન્યા હતા. જેમાં અત્યાર સુધી કુલ 255 ઇસમો વિરુદ્ધ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે, તેમજ ટ્રાફિકને અડચણરૂપ કુલ 50થી વધુ વાહનોને ટોઇંગ કરવામાં આવ્યા હતા. તો બીજી તરફ, સંતો, મહંતો, ભાવીકો, શ્રધ્ધાળુઓ ગીરનારની લીલી પરીક્રમામાં દર્શાનાર્થે તેમજ પ્રવાસે મોટી સંખ્યામાં આવતા હોય છે, ત્યારે ગીરનાર લીલી પરીક્રમામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ 15 લાખથી વધુ શ્રધ્ધાળુઓ ઉમટી પડે તેવી શક્યતા વર્તાય રહી છે. જેને લઈ જુનાગઢ રેન્જ આઇજી નિલેશ જાજાડીયાની સુચના અને એસપી હર્ષદ મહેતાના માર્ગદર્શનમાં કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતી જળવાય રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ગીરનારની લીલી પરીક્રમામાં આશરે 36 કિલોમીટર જેટલો ફોરેસ્ટ વિસ્તાર છે, જે ફોરેસ્ટ વિસ્તારમાં આવનાર શ્રધ્ધાળુઓને કોઇ અગવડ ન પડે અને શ્રધ્ધાળુઓને સહેલાઇથી પોલીસ મદદ મળી રહે તે માટે તમામ પોલીસગણને પૂરતું માર્ગદર્શન આપવામાં આવ્યું છે. તો બીજી તરફ, લાલ ઢોરી ત્રણ રસ્તા નજીક યાત્રિકને કાર્ડિયાક મુશ્કેલી ઉભી થતાં તાત્કાલિક CPR સારવાર આપી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ તરફ, લીલી પરિક્રમાના રુટ ઉપર મોનિટરિંગ માટે પોલીસ દ્વારા નવતર પગલું ભરવામાં આવ્યું છે. પોલીસ તંત્ર દ્વારા સૌપ્રથમવાર પેરાશુટની મદદ લેવામાં આવી છે. પેરાશુટની મદદ વડે પરિક્રમાના તમામ રૂટ પર બાજ નજર રાખી કોઈપણ અનિચ્છનિય બનાવને પહોચી વળવા પોલીસ વિભાગ સજ્જ બન્યું છે.

Next Story