Connect Gujarat
ગુજરાત

જુનાગઢ : ભડકાઉ ભાષણ આપવા મુદ્દે મૌલાના મુફતી અઝહરીને કોર્ટમાં રજૂ કરાયો...

વ્યસનમુક્તિના કાર્યક્રમમાં મુફતી સલમાન અઝહરીએ નશામુક્તિ સિવાય પણ લોકોમાં વૈમનસ્ય ફેલાય અને તંગદિલી ઊભી થાય એ પ્રકારનું ભડકાઉ ભાષણ આપ્યું હતું.

X

વ્યસન મુક્તિના કાર્યક્રમમાં ભડકાઉ ભાષણનો મામલો

ગુજરાત ATSએ મૌલાનાની મુંબઇ ખાતેથી કરી ધરપકડ

મૌલાના મુફતી સલમાન અઝહરીને ક્રાઇમ બ્રાન્ચને સોંપ્યો

ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મૌલાનાને કોર્ટમાં રજૂ કરાયો

મૌલાના વારંવાર પોતાના ભડકાઉ ભાષણના કારણે ચર્ચામાં

જુનાગઢમાં વ્યસનમુક્તિના કાર્યક્રમમાં ભડકાઉ ભાષણ આપવા મુદ્દે ગુજરાત ATSએ મુફતી સલમાન અઝહરીની મુંબઇથી ધરપકડ કરી જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચને સોંપ્યો હતો. જેની સમગ્ર રાત પૂછપરછ બાદ જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કોર્ટમાં રજૂ કર્યો હતો.

ગત તા. 31 જાન્યુઆરીના રોજ જુનાગઢની નરસિંહ સ્કૂલના મેદાનમાં વ્યસનમુક્તિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના આયોજકોએ મુંબઈથી મુફતી સલમાન અઝહરીને બોલવ્યો હતો. એમાં મુફતી સલમાન અઝહરીએ નશામુક્તિ સિવાય પણ લોકોમાં વૈમનસ્ય ફેલાય અને તંગદિલી ઊભી થાય એ પ્રકારનું ભડકાઉ ભાષણ આપ્યું હતું. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં જુનાગઢ બી’ ડિવિઝન પોલીસે આ કાર્યક્રમના આયોજકો અને ભાષણ કરનાર મૌલાના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી.

આ સાથે જ સ્થાનિક આયોજક મહંમદ યુસુફ મલેક અને અઝીમ ઓડેદરાને ઝડપી પાડવામાં આવ્યા હતા. જે બાદ ગત રવિવારે ગુજરાત ATSએ લોકેશનના આધારે મુંબઈ ખાતે રહેતા મૌલાનાને ઝડપી પાડ્યો હતો, અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મુંબઈથી અમદાવાદ લાવવામાં આવ્યો હતો, જ્યાંથી ગત સોમવારે જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવ્યો હતો, ત્યારે જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચે મુફ્તી સલમાન અઝહરીની સમગ્ર રાત પૂછપરછ કરી આજે કોર્ટમાં રજૂ કર્યો હતો. મૌલાના મુફતી ઘણી સામાજિક અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં સક્રિય ભૂમિકા ભજવતા જોવા મળે છે.

સોશિયલ મીડિયામાં પણ તેની મોટી ફેન ફોલોઇંગ છે, સાથે જ તે ઇસ્લામિક વિદ્યાર્થીઓને ધાર્મિક શિક્ષણ પણ આપે છે. મૌલાના વારંવાર પોતાના ભડકાઉ ભાષણના કારણે ચર્ચામાં રહે છે. તો બીજી તરફ, જુનાગઢના એસપી હર્ષદ મહેતાએ મૌલાનાની ધરપકડને લઈ કોઈપણ પ્રકારનો વિવાદ ઊભો ન કરવા લોકોને અપીલ કરી હતી, અને જો કોઈએ સોશિયલ મીડિયામાં કોઈપણ વિવાદસ્પદ ટિપ્પણી કરી સામાજિક માહોલ ડહોળવાનો પ્રયાસ કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરાશે તેમ જણાવ્યું હતું.

Next Story