જુનાગઢ જિલ્લાના કેશોદ એરપોર્ટને આંતરરાષ્ટ્રીય કક્ષાનું એરપોર્ટ બનાવવા માટે વહીવટી તંત્ર દ્વારા સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું.
વિધાનસભાની સામાન્ય ચુંટણીમાં પ્રચારાર્થે આવેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું કે, જુનાગઢના કેશોદ એરપોર્ટનો વિકાસ કરી આંતરરાષ્ટ્રીય કક્ષાનું એરપોર્ટ બનાવી પ્રવાસન ક્ષેત્રે અને ટ્રાન્સપોર્ટેશન ક્ષેત્રે વિકાસના દ્વાર ખોલવામાં આવશે. જોકે, PM મોદીએ વચન આપ્યું હતું એ મુજબ તાજેતરમાં કેશોદ ખાતે ગુજસેલના મેનેજીંગ ડાયરેકટર, રેવન્યુ વિભાગના અધિકારીઓ અને DLRIના અધિકારીઓની સર્વેક્ષણ બેઠક મળી હતી. જેમાં સંભવિત પાસાઓ અંગે ચર્ચા વિચારણા કરી પ્રાથમિક આયોજન કરવામાં આવ્યું હતું. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્નછે કે, સૌરાષ્ટ્રની પ્રખ્યાત કેસર કેરી દેશ-વિદેશમાં હવાઈ માર્ગે પહોંચી અને કાઠીયાવાડની સુગંધ પ્રસરાવે, હવે જે સાકાર થવા જઈ રહ્યું છે, ત્યારે સૌરાષ્ટ્રવાસીઓ માટે પણ આ એક ખુશીના સમાચાર છે. કેશોદ એરપોર્ટ આંતરરાષ્ટ્રીય કક્ષાનું એરપોર્ટ બનવા જઈ રહ્યું છે, ત્યારે વહીવટી તંત્ર દ્વારા પ્રાથમિક સર્વેક્ષણ બાદ નક્કર કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તો બીજી તરફ, કેશોદ એરપોર્ટ ભવિષ્યમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું એરપોર્ટ બને તે માટે ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે, તેમ આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.