જુનાગઢને ક્લીન અને ગ્રીન બનવાવા તંત્રની પહેલ
વહીવટી તંત્ર દ્વારા શરૂ કરાયું અનોખુ પ્રાકૃતિક કેફે
લોકોને પ્લાસ્ટિકના બદલામાં મળશે પ્રાકૃતિક ભોજન
જુનાગઢ જિલ્લા વહીવટી તંત્રએ શહેરને ક્લીન અને ગ્રીન બનવાવા નવીન પહેલ શરૂ કરી છે. જેમાં પર્યાવરણ શુદ્ધિની દિશા તરફ વહીવટી તંત્રએ અનોખી પહેલ સાથે પ્રાકૃતિક કેફે શરુ કર્યું છે. આ કેફેમાં તમે પ્લાસ્ટિક એકઠું કરીને આપો તો તેના બદલામાં તમને સ્વાસ્થ્યવર્ધક પીણા કે, નાસ્તો આપવામાં આવે છે. જો તમે 500 ગ્રામ પ્લાસ્ટિક આપો તો લીંબુ શરબત કે, વરિયાળીનો શરબત આપવામાં આવે છે. અને જો 1 કિલો પ્લાસ્ટિક આપો તો 1 પ્લેટ પૌંઆ કે, ઢોકળા આપવામાં આવે છે.
જેથી અહી સવારે નાસ્તો, બપોરે અને સાંજે શુદ્ધ સાત્વિક ભોજન આપવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં, પ્રાકૃતિક કેફે ખાતે માટીમાંથી બનાવેલ ઈકો ફ્રેંડલી વાસણો સહિત ઓગ્રેનિક ચીજવસ્તુઓનું પણ વેચાણ કરવામાં આવશે. વધુમાં કેશલેશ સુવિધાની ઉપલબ્ધતા સાથે લોકો ઘરે બેઠા જ ઓનલાઈન ફુડ ડિલિવરી પ્લેટફોર્મથી ઓર્ડર પણ કરી શકશે. આ પ્રાકૃતિક કેફેનો મૂળભૂત ઉદ્દેશ પ્લાસ્ટિક દ્વારા થતા પ્રદૂષણને અટકાવવાનો છે. આનંદની બાબત તો એ છે કે, પ્રાકૃતિક કેફેનું સંચાલન સ્વસહાય જૂથની બહેનો દ્વારા કરવામાં આવે છે, ત્યારે જુનાગઢ જિલ્લા કલેક્ટર રચિત રાજ દ્વારા પણ પ્રાકૃતિક કેફેના ઉદ્દેશને ખૂબ બિરદાવવામાં આવ્યો છે.