જુનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના રમણીય ધાર્મિક સ્થળ એવા પૂજ્ય આપાગીગા બાપાના સમાધિ સ્થાન ખાતે શામજીબાપુની 41મી પુણ્યતિથી નિમિત્તે ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું.
જુનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના આંબાઝર નદી કિનારે આવેલું અને સંત આપાગીગાએ સ્થાપેલું સતાધાર ધામ રમણીય ધાર્મિક સ્થળ છે, જ્યાં ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ અને “જ્યાં ટુકડો ત્યાં હરિ ઢુંકડો” એ સનાતની પરંપરા આજે પણ વર્ષોથી જળવાઈ રહી છે. તેવા સુપ્રસિદ્ધ યાત્રાધામ સતાધાર ધામે પૂજ્ય શામજીબાપુની 41મી પુણ્યતિથીની મહંત વિજયબાપુની નિશ્રામાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પૂજ્ય શામજીબાપુનું પૂજન-અર્ચન તેમજ સંત ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. સતાધાર ધામે વર્ષોથી હરિહરની હાકલ પડતા હજારો ભક્તો એક જ પંગતમાં બેસી ભોજન પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવે છે. આજના ઝડપી અને કોમ્પ્યુટર યુગમાં પણ સતાધાર ધામે સનાતની પરંપરામાં અવિરત શ્રધ્ધાળુઓનો પ્રવાહ હજારોની સંખ્યામાં ઉમટી ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમનો ધર્મલાભ લઈ રહ્યા છે.